Western Times News

Gujarati News

કરશનભાઇ પટેલે સેનિટેશન માટે  ૨.૨૦ લાખ સાબુ આપી માતૃભૂમિનું ઋણ ચૂકવ્યું

અમદાવાદ જિલ્લો સ્વચ્છતાના સથવારે કોરોનાને આપશે મ્હાત

કોરોનાની મહામારીએ વિશ્વભરમાં તેનો કહેર વર્તાવ્યો છે. આ મહામારીમાંથી ઉગરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. તેમાંથી સૌથી અગત્યની બાબત જો કોઇ હોય તો તે સ્વચ્છતા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ સ્વચ્છતાને પ્રાધાન્ય આપે છે ત્યારે આ સ્વચ્છતાને અગ્રેસર રાખી અમદાવાદ જિલ્લો કોરોનાને મ્હાત આપશે.

તજજ્ઞો અને ડોક્ટરો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વારંવાર હાથ ધોવાની બાબતને આ ભયાવહ ચેપી રોગથી બચવા માટેનું રામબાણ ઉપાય ગણાવે છે. હાથની સ્વચ્છતા માટે આપણે વિવિધ પ્રકારના સેનેટાઇઝર વાપરીએ છીએ. પરંતુ સમાજના નીચલા સ્તર પર રહેલા ગરીબ લોકો માટે તો આજેય સાબુ એ જ તેમનું સેનેટાઇઝર છે. ઘણી વખત તો સાબુના અભાવે માટી પણ તેમનું સેનેટાઇઝર બની રહે છે. જો કે કોરોનાના કહેરથી બચવા તો સાબુ અથવા તો સેનેટાઇઝર વાપરવાની સતર્કતા અનિવાર્ય છે. સેનેટાઇઝરની ઊંચી કિંમત હોવાના કારણે સામાન્ય લોકો પણ સાબુનો ઉપયોગ કરે છે. પરંતુ સમાજના આ અકિંચન લોકો માટે તો સાબુ પણ તેમની પહોંચની બહાર છે.

કોરોના કાળમાં સાબુના આ મહત્વને પારખીને જાણીતા ઉદ્યોગપતિશ્રી અને નિરમા ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક શ્રી કરશનભાઇ પટેલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને ૨.૨૦ લાખ સાબુ દાનમાં આપ્યા છે. આ દાન દ્વારા કરશનભાઇએ પોતાના વ્યક્તિત્વને વધુ ઉજળું કર્યું છે. શ્રી કરશનભાઇ આ અગાઉ પણ અનેક સમાજોપયોગી કાર્યો અને દાન- સેવા કરી ચૂક્યા છે.
આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા રહ્યો છે. કોરોનાના કપરાકાળમાં રાજ્ય સરકાર દિવસ-રાત કાર્ય કરી રહી છે, તો સાથે- સાથે સમાજના લોકો વિવિધ પ્રકારે જેની જેવી ક્ષમતા એવી રીતે પોતાનો સહયોગ આ મહામારી સામે લડવા માટે આપી રહ્યા છે તેવા સમયે અપાયેલા આ સાબુ સ્વચ્છતાને જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને કારગત સાબિત થશે.

અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી કે.કે. નિરાલાના નેતૃત્વ હેઠળ આ સાબુનું વિતરણ વિવિધ પ્રાંત કચેરીઓ અને ત્યાંથી તાલુકાની કચેરીઓ સુધી કરવામાં આવી રહ્યું છે. અને થોડા જ સમયમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના જરૂરિયાતમંદ ગરીબ, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આ સાબુ નિઃશૂલ્ક અને હાથોહાથ પહોંચાડવામાં આવશે. જેના દ્વારા સામાન્ય ગરીબ વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની સ્વચ્છતાની પૂરી કાળજી રાખી શકશે. ‘તન સ્વચ્છ તો મન સ્વચ્છ’ ના ન્યાયે કોરોનાને મ્હાત આપવા અને સ્વચ્છતાને બરકરાર રાખવા માટે કરશનભાઇ એ આપેલું આ દાન ઉચિત સમયનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.