કરાંચી: IED બ્લાસ્ટમાં 1નું મોત 13 ઘાયલ
કરાંચી, પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ થવાનો સિલસિલો યથાવત્ છે. ગુરુવારે આતંકીઓએ પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતા કરાંચીને નિશાન બનાવ્યું. કરાંચીના સદર વિસ્તારમાં યુનાઈટેડ બેકરીની પાસે IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં એક નાગરિકનું મૃત્યુ થયું, જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસ ઊભેલી કારમાં આગ લાગી ગઈ હતી. આ સિવાય અહીં આવેલા એપાર્ટમેન્ટ, દુકાનો, કારની બારીઓ તૂટી ગઈ હતી. જોકે હજી સુધી કોઈપણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
શહેરના IGP મુશ્તાક અહમદે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં એ વાત જાણવા મળી છે કે એક બાઈકની અંદર IED ફિટ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ સિવાય આ ઘટનામાં એક 25 વર્ષના છોકરાનું મૃત્યું થયું હતું. અન્ય ઘાયલ થયેલા લોકોની હાલ સારવાર ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ મામલામાં વિગતે રિપોર્ટ માગ્યો છે.
વડાપ્રધાન શહબાઝ શરીફે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આતંકવાદનો સફાયો કરવા માટે રાજ્ય સરકારની સાથે મળીને કામ કરવાની વાત કહી છે. બીજી તરફ, શહબાજ સરકારના મંત્રી રાણા સનાઉલ્લાહનું કહેવું છે કે કેન્દ્ર સરકાર આ મામલાની તપાસ માટે સિંઘ સરકારને સંપૂર્ણ સહયોગ કરશે.