કરિશ્મા અને રિદ્ધિમા સાથે નિખિલ નંદાએ બર્થ ડે ઉજવ્યો
મુંબઈ: ૧૮ માર્ચે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાના પતિ અને બિઝનેસમેન નિખિલ નંદાનો જન્મદિવસ હતો. નિખિલે પોતાનો આ ખાસ દિવસ દિલ્હીમાં પરિવારના કેટલાક સભ્યો સાથે સેલિબ્રેટ કર્યો હતો. કરિશ્મા કપૂર અને રિદ્ધિમા કપૂરે કઝિન નિખિલ નંદાના બર્થ ડે સેલિબ્રેશનમાંથી કેટલીક તસવીરો શેર કરી છે. દિલ્હીમાં નિખિલ નંદાનું બર્થ ડે સેલિબ્રેશન થયું હતું.
જેમાં રિદ્ધિમા કપૂર સહાની, પતિ ભરત સહાની, દીકરી સમારા, નિખિલ નંદા, બહેન નિતાશા નંદા અને સાસુ જયા બચ્ચન હાજર હતા. તસવીરમાં રિદ્ધિમાએ તસવીર શેર કરતાં લખ્યું, ફેમિલી બોન્ડિંગ. રિદ્ધિમા કપૂર દિલ્હીમાં રહે છે. જ્યારે કરિશ્મા થોડા દિવસ પહેલા જ ત્યાં પહોંચી હતી. તસવીરો પરથી એવું લાગી રહ્યું છે કે, પરિવારના અમુક સભ્યો દિલ્હીમાં હાજર હતા ત્યારે સૌએ ભેગા મળીને નિખિલનો બર્થ ડે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હશે. કરિશ્મા કપૂરે પાર્ટીનો એક બૂમરેંગ વિડીયો શેર કર્યો છે.
જેમાં બર્થ ડે બોય સહિતના સભ્યો કેમેરા સામે મસ્તી કરી રહ્યા છે. કરિશ્માએ વિડીયો શેર કરતાં લખ્યું, ફેમ જામ. આ ઉપરાંત રિદ્ધિમાએ બંને બહેનો કરિશ્મા અને નિતાશા સાથે પણ પોઝ આપ્યો છે. તસવીરમાં જાેઈ શકો છો કે, કપૂર ખાનદાનની ત્રણેય દીકરીઓ બ્લેક રંગના કપડામાં જાેવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, નિખિલ નંદા અને નિતાશા નંદા કરિશ્મા-રિદ્ધિમાના ફોઈ રિતુ નંદાના સંતાનો છે. રણધીર અને ઋષિ કપૂરના બહેન રિતુએ રાજન નંદા સાથે લગ્ન કર્યા હતા. તેમના દીકરા નિખિલ સાથે શ્વેતા બચ્ચને લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે, ૨૦૨૦ના જાન્યુઆરી મહિનામાં રિતુ નંદાનું કેન્સરના કારણે અવસાન થયું હતું. તેમના અવસાનના થોડા મહિનાઓ બાદ જ ઋષિ કપૂરનું પણ નિધન થયું હતું.