કરૂણા અભિયાન-૨૦૨૦ હેઠળ ૨૨૫ ઘવાયેલા પક્ષીઓને બચાવાયા
પક્ષીઓના કલરવ વગર આ દુનિયા અધુરી છે : લેખન – વૈશાલી જે.પરમાર(માહિતી મદદનીશ, વલસાડ)
ભારત વિવિધતામાં એકતાનો દેશ છે. અવનવા તહેવારોથી આખુ વર્ષ દેશમાં ઉત્સવોનો દોર ચાલ્યા કરતો હોય છે. પરંતુ કયારેક માનવ જીવનના ઉત્સવો પૃથ્વી ઉપરના અન્ય જીવો અને પર્યાવરણ માટે નુકશાનકારક બની જાય છે.ઉત્તરાયણના તહેવારમાં લોકો તલ ગોળના લાડુ અને ચીક્કી ખાવામાં અને પતંગ ચગાવી મંદમંદ પવન સાથે તડકાની મઝા માણતા હોય છે. ત્યારે અમુક લોકો એવા પણ છે જે પતંગના દોરામાં ફસાયેલા અબોલા પક્ષીઓના જીવને બચાવવાનું કામ કરી સંક્રાંતિ મનાવતા હોય છે.
રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ૧૦ જાન્યુઆરી-૨૦૨૦ થી ૨૦ જાન્યુઆરી-૨૦૨૦ સુધી કરૂણા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર સી.આર.ખરસાણની રાહદારી હેઠળ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારને આવરી લઇ સરકારના તમામ વિભાગો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ મળી કરૂણા અભિયાન કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કરવા એક ટીમ બની કામ કર્યુ છે. વલસાડ જિલ્લામાં જાહેર જનતાને કોઇ વિસ્તારમાં ઘાયલ પક્ષી જણાય તો હેલ્પલાઇન નંબર અથવા એન.જી.ઓના સંપર્ક કરવા ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ૯ કંટ્રોલ રૂમ, ૧૦ પશુ દવાખાનાના કેન્દ્રો, ૧૭ કલેકશન સેન્ટરો, ૬૫ સ્વયંસેવકો, ૮૭ કર્મચારીઓ, ૨પ પક્ષી બચાવની ટીમો, ૧૪ એન.જી.ઓ અને અસંખ્ય જાગૃત નાગરિકો જોડાયા હતા.
આ તમામ પક્ષી પ્રેમીઓ દ્વારા સમગ્ર અભિયાન દરમ્યાન કુલ-૨૫૬ ધવાયેલા નાના મોટા પક્ષીઓ મળ્યા હતા. જેમાંથી ૨૨૫ પક્ષીઓ જીવંત છે અને ૩૧ મૃત્યુ પામ્યા છે. મૃત્યુ પામેલા પક્ષીઓને એન.જી.ઓની ટીમ અને જંગલ ખાતા દ્વારા અગિ્નદાહ આપી અથવા જમીનમાં દાટી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના કલ્યાણ બાગ ખાતે કરૂણા અભિયાન ટીમના વડા મહેશભાઇ પટેલ છે. મહેશભાઇ વલસાડ નગરપાલિકા બાંધકામ શાખામાં નોકરી કરે છે અને છેલ્લા ૨૨ વર્ષથી પશુ-પક્ષીઓને બચાવવા જીવદયાના કામ સાથે સંકળાયેલા છે. તેઓ જણાવે છે કે, હું છુલ્લા ૪ વર્ષથી કરૂણા અભિયાનમાં જોડાયો છું.
પહેલા અમે અમુક લોકો જ હતા જે જીવદયાના કામો કરતા હતા અને ત્યારે અમારી પાસે પુરતા સંશાધનો પણ ના હતા તેથી ઘણી વખત અમારો જીવ જોખમમાં મુકી પક્ષીઓને બચાવતા હતા. પરંતુ આજના સમયમાં ગુજરાત સરકારની અનોખી પહેલના કારણે આજે લોકોમાં જનજાગૃતિ આવી છે. જેના કારણે જિલ્લા પ્રસાશન દ્વારા પણ અમને સારો સહકાર મળ્યો છે તેમના દ્વારા રેસ્કયુ વાન, પક્ષીઓના પીંજરા, દાણ-પાણી, જરૂરી દવાની કીટ આપવામાં આવી છે. તથા પશુ ચિકિત્સકોની ટીમ, જંગલ ખાતાની ટીમ, ફાયર વિભાગની ટીમ, જીઇબીની ટીમ જરૂરી મદદ માટે તૈયાર રહે છે.
ઘવાયેલા પક્ષીઓમાં મોટા ભાગે કબુતર, કાગડો, ચકલો, સમડી, બગલા, ઘુવડ, હોલો, વાગળુ, મોર વગેરે હોય છે. પક્ષીઓ જયા સુધી સ્વસ્થ ના થઇ જાય ત્યાં સુધી તેઓને સ્વયં સેવકોની ટીમ હેઠળ દેખભાળ પુરી પાડવામાં આવે અને જયારે પક્ષી સંપુર્ણપણે સ્વસ્થ જાહેર થાય અને સ્વયં ઉડી શકે તેવી પરિસ્થિતીમાં આવે ત્યારે તેને જે જગ્યાથી લાવવામાં આવ્યું હોય તે જ જગ્યાએ કે તે જ વિસ્તારમાં પાછુ મુકી આવવામાં આવે છે. જો કોઇ ઘવાયેલા પક્ષીઓમાંથી ગંભીર ઇજાના કારણે આજીવન માટે અપંગ થઇ જાય તો તેવા પક્ષીઓને વન વિભાગ દ્વારા કલરવ બર્ડ સેન્ટર નવસારી ખાતે પહોચાડવામાં આવે છે. જયાં તેમને જરૂરી સારવાર આપી આજીવન રાખવામાં આવે છે.
ગામ હોય કે શહેર દિવસની શરૂઆત પક્ષીઓના મધમીઠા ગાનથી શરૂ થતી હોય છે. પરંતુ જયારે દિવસની શરૂઆત પક્ષીઓના કલરવની જગ્યાએ પક્ષીઓના આક્રંદથી થતી હોય ત્યારે માનવજીવન અર્થ વિહીન લાગવા માંડે છે. મનુષ્ય પાસે એવી ઇન્દ્રિઓ છે જે અન્ય જીવો પાસે નથી તેથી આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપી જીવનને શ્રેષ્ઠ જીવન માનવામાં આવે છે. મનુષ્ય વિચારી શકે છે બોલી શકે છે અને તર્ક પણ કરી શકે છે. આપણને મળેલી શકિતઓ અન્ય જીવોની રક્ષા કરવા માટે છે. ના કે કોઇ અન્ય જીવને નુકશાન કરવા માટે.