બોરીવલી રેલવે સ્ટેશન પરથી કરોડો રૂપિયાના હિરાના પાર્સલો જપ્ત
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પગલે બોરીવલી રેલવે સ્ટેશન પરથી ૧ર આંગડિયા પેઢીના સંખ્યાબંધ પાર્સલો જપ્ત કરાયાઃ ગુજરાતના હિરાના વહેપારીઓમાં દોડધામ |
(પ્રતિનિધિ) અમદાવાદ : પાડોશી રાજય મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ જતા મહારાષ્ટ્ર, ગુજરાતની બોર્ડર સીલ કરી તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ નાણાંકીય હેરફેર તથા અન્ય લોભામણી વસ્તુઓની હેરફેર અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને ખાસ કરીને આંગડિયા પેઢીઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે
આ દરમિયાનમાં મોડી રાત્રે મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર ૧ર જેટલી આંગડિયા પેઢીના મોટી સંખ્યામાં પાર્સલો પોલીસે જપ્ત કર્યાં છે આ તમામ પાર્સલો ગુજરાતના હિરાના વેપારીઓના હોવાથી કરોડો રૂપિયાના હિરા તથા અન્ય કિંમતી મુદ્દામાલ હાલ મુંબઈ પોલીસે જપ્ત કરી લીધો છે અને આ અંગે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાથી વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મોટાભાગના પાર્સલો સુરતના હિરા ઉદ્યોગના વહેપારીઓના હોવાનું જાણવા મળી રહયું છે. આ અંગેની વિગત એવી છે કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી ઉપરાંત દેશભરમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ જતા આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ચૂંટણી પહેલા મતદારોને લલચાવવા માટે કેટલાક નેતાઓ લાલચો આપતા હોય છે આ પ્રવૃતિને ડામી દેવા માટે છેલ્લી કેટલીક ચૂંટણીઓથી ચૂંટણીપંચ એલર્ટ થયેલું છે. ચૂંટણીપૂર્વે ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક પોલીસને કેટલીક મહત્વપૂર્ણ સુચનાઓ આપેલી છે અને તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં ગુજરાતની અંદર હિરા ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે અને રોજ કરોડો રૂપિયાની હેરફેર થાય છે દેશભરમાં હિરાના પાર્સલો પહોંચાડવામાં આવતા હોય છે અને ગુજરાતમાં પણ વિદેશથી પાર્સલો આવતા હોય છે આ દરમિયાનમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ સ્થાનિક પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં નાણાંકિય હેરફેર અટકાવવા માટે સૌ પ્રથમ આંગડિયા પેઢીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને પેઢીઓમાં આવતા તથા ડીલીવરી કરવા માટે રખાયેલા પાર્સલોની તપાસ શરૂ કરવામાં આવી રહી છે આ દરમિયાનમાં મોડી રાત્રે મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર સંખ્યાબંધ પાર્સલો આંગડિયા પેઢીના આવ્યા હતાં પોલીસે અંદાજે ૧ર આંગડિયા પેઢીના પાર્સલો જપ્ત કર્યાં છે
આ તમામ પાર્સલો બોરીવલીથી ગુજરાત લાવવાના હતાં પ્રાથમિક તપાસમાં પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ પાર્સલો હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વહેપારીઓના છે આ અંગેની જાણ થતાં જ સુરત સહિત રાજયભરના હિરાના વહેપારીઓમાં દોડધામ મચી ગઈ છે. બોરીવલી રેલવે સ્ટેશન પર સંખ્યાબંધ પાર્સલો જપ્ત કરવામાં આવ્યા છે
આ પાર્સલોમાં કરોડો રૂપિયાના હિરા અને અન્ય કિંમતી મુદ્દામાલ હોવાનું ચર્ચાઈ રહયું છે અગાઉ પણ આવા પાર્સલો જપ્ત કરવામાં આવ્યા હતાં પ્રાથમિક અંદાજ મુજબ કરોડો રૂપિયાના આ પાર્સલો જપ્ત કર્યાં બાદ પોલીસે તમામ પાર્સલો કસ્ટડીમાં રાખ્યા છે અને આંગડિયા પેઢીના માલિકોને તેની જાણ કરી દેવામાં આવી છે.
હિરા ઉદ્યોગમાં કોઈ પાકુ લખાણ હોતુ નથી તેમ છતાં કરોડો રૂપિયાનું નેટવર્ક આ ઉદ્યોગમાં થાય છે. જપ્ત કરાયેલા પાર્સલોમાં મોટાભાગના પાર્સલો સુરતના વહેપારીઓના છે જયારે અમદાવાદ સહિતના વહેપારીઓના પણ કેટલાક પાર્સલો હોવાનું જાણવા મળી રહયું છે આ તમામ પાર્સલો બોરીવલીથી સુરત લાવવાના હતાં જાકે તે પહેલા જ તેને જપ્ત કરી લેવામાં આવ્યા છે.
આંગડિયા પેઢીના માલિકોએ પાર્સલોના માલિકોને આ અંગેની જાણ કરતા જ ભારે હોહામચી ગઈ છે વહેપારી પોતાના પાર્સલો છોડાવવા માટે સક્રિય બન્યા છે અને આ તમામ પ્રક્રિયા હવે મુંબઈમાં થવાની છે પાર્સલોમાં રોકડ રૂપિયા છે કે નહી તે અંગે હજુ સુધી જાણવા મળ્યુ નથી તમામ પાર્સલો સીલબંધ છે અને પાર્સલોમાં કઈ ચીજવસ્તુઓ છે તે અંગેની યાદી આંગડિયા પેઢીઓ પાસેથી મંગાવવામાં આવી છે.
જેના પગલે આંગડિયા પેઢીઓએ આ અંગેની જાણ વહેપારીઓને કરતા હવે પાર્સલોની વિગતો લઈ કેટલાક વહેપારીઓ આજે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. જાકે આ અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ શકી નથી પરંતુ વહેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.