કરોનાગ્રસ્તોની માત્ર રૂપિયા ૧૦માં સારવાર કરતા ડોક્ટર
હૈદરાબાદ:કોરોનાકાળમાં એક તરફ ઘણા ડોક્ટરો દર્દીઓ પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે ત્યારે ઘણા ડોક્ટર માનવતાનું ઉદાહરણ પણ રજૂ કરી રહ્યા છે. કોરોનાના ઘણા દર્દીઓને સાજા થવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે પરંતુ બોડુપ્પલમાં એક ડોક્ટર ફક્ત ૧૦ રૂપિયામાં જ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
બોડુપ્પલના રહેવાસી ૬૫ વર્ષીય કમલમ્માને કોરોના થયો હતો અને હોમ આઈસોલેશનમાં રહીને જ સાજા થયા હતા. આ માટે તેમણે ડોક્ટર વિક્ટર ઈમેન્યુઅલની પ્રશંસા કરી હતી. તેમના પતિ કે. યદાગીરીએ જણાવ્યું હતું કે મારા માટે ડોક્ટર સાહેબ ભગવાન સમાન છે. તેમની દવાના કારણે મારી પત્ની એક સપ્તાહની અંદર જ કોરોના મુક્ત થઈ ગઈ હતી. મારે સારવાર માટે ફક્ત ૪૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો જે પરવળે તેવો છે.
સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (સીસીજી)ના કર્મચારી પી જાનકી રામના સાત સભ્યોને કોવિડ-૧૯ થયા બાદ સાજા થયા હતા અને તેની સારવાર પાછળ ફક્ત ૧૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો. ડોક્ટરની દેખરેખમાં આ સાતેય સભ્યો હોમ આઈસોલેશનમાં જ સાજા થયા હતા. જાનકી રામે જણાવ્યું હતું કે, જાે મેં મારા સાતેય સભ્યોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હોત તો તેનું બિલ ૨૫ લાખ રૂપિયાથી વધારે આવ્યું હોત.
ડોક્ટર ઈમેન્યુઅલ એક જનરલ ફિઝિશિયન છે જેઓ બોડુપ્પલમાં પોતાનું પ્રાજવલા ક્લિનિક્સ ચલાવે છે. તેમનું ક્લિનિક હંમેશા કોરોનાના દર્દીઓથી ભરેલું રહે છે કેમ કે તેમની કન્સલ્ટેશન ફી ફક્ત ૧૦ રૂપિયા જ છે. તેમણે જણાવ્યું હતું કે, મેં કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ દર્દીઓને રાહત દરે સારવાર આપી છે.