કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા કોરોના પોઝિટિવ
બેંગ્લુરુ: કર્ણાટકાના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રવિવારે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. યેદિયુરપ્પા આ પહેલા ગુજરાત ભાજપના મોટા નેતા અને કર્ણાટકાના રાજ્યપાલ વજુભાઈ વાળાના પણ સંપર્કમાં આવ્યા હતા. તેઓ એક બેઠક દરમિયાન તેમના સંપર્કમાં આવ્યા હતા.
મુખ્યમંત્રીની મીડિયા ટીમે આ અંગે જણાવ્યું છે કે તેમણે મણીપાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમણે એવી પણ વિનંતી કરી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય અને કોરોનાના લક્ષણો દેખાય તેઓએ પોતાની રીતે આઈસોલેટ થઈ જવું જોઈએ. મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હું કોરોના પોઝિટિવ આવ્યો છું.
જોકે મને સારું છે, ડોક્ટરોના સૂચનો બાદ હોસ્પિટલમાં દાખલ થયો છું. હું વિનંતી કરું છું કે જે લોકો તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે અને તેમને પોતાનામાં કોરોનાના લક્ષણો દેખાય તો તેમણે સેલ્ફ-કોરન્ટાઈન થઈ જવું જોઈએ. યેદિયુરપ્પાએ અગાઉ જણાવ્યું હતું કે તેઓના સહકર્મી પોઝિટિવ આવ્યા હતા જેના કારણે પોતે કામથી દૂર રહેવાની વાત કરી હતી જેથી વધુ વ્યક્તિઓ સુધી કોરોના વાયરસ ના ફેલાય.
શુક્રવારે યેદિયુરપ્પા કર્ણાટકાના રાજ્યપાલ વજુભાઈ વાળાને પણ શુક્રવારે મળ્યા હતા.આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી બાસવરાજ બોમ્મિયા પણ બેઠકમાં હાજર હતા. અમિત શાહ પછી બીજા નંબરના સૌથી મોટા નેતા છે કે જેમનો કોરોના પોઝિટિવ આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને પોતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાની માહિતી આપી હતી અને તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ છે અને ડોક્ટરની સલાહથી હોસ્પિટલમાં દાખલ થયા છે.