કર્ણાટકની મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
નવી દિલ્હી, સ્કૂલો કોલેજો ખુલી ગઈ છે તો કોરોના હવે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવા માંડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્કૂલોમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાના મામલા સામે આવ્યા છે અને હવે કર્ણાટકની એસડીએમ મેડિકલ કોલેજના 66 સ્ટુડન્ટસ એક સાથે કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે.
સત્તાધીશોએ કેમ્પસમાં આવેલા બે હોસ્ટેલ સીલ કરી દીધા છે.આ કોલેજમાં કુલ 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.કેટલાક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનુ કબર પડતા તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવાનો કોલેજના સત્તાધીશોએ નિર્ણય લીધો હતો.જેમાં અત્યાર સુધીમાં 300 વિદ્યાર્થીઓનો ટેસ્ટ થયો છે અને આ પૈકીના 66 પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે.
તાજેતરમાં રાજસ્થાનમાં પણ એક સ્કૂલમાં 11 અને તેલંગાણામાં પણ એક જ સ્કૂલના 28 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.કોરોનાની ત્રીજી લહેર સદભાગ્યે દેશમાં આવી નથી પણ વિદ્યાર્થીઓ જે રીતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે તે સારી નિશાની નથી તેવુ જાણકારોનુ કહેવુ છે.
કેટલાકનુ મંતવ્ય છે કે, સરકારે હવે બાળકો માટેની વેક્સીનને વહેલી તકે માર્કેટમાં મુકવી જોઈએ.એવુ મનાય છે કે, માર્ચ મહિનાથી બાળકોને કોરોના વેક્સીન આપવાનુ શરુ કરાશે.