કર્ણાટકમાં કોંગ્રેસ નેતા તનવીર સેટ પર જીવલેણ હુમલો
મૈસુર, કર્ણાટકનાં મૈસુરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય તનવીર સેટ પર હુમલો થયો હોવાનુ સામે આવ્યુ છે. તેમને તાત્કાલિકમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનુ માલૂમ પડી રહ્યુ છે. હુમલાનાં સમાચાર મળતા જ મૈસુરનાં પોલીસ કમિશનર પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને પોલીસે કેસ નોંધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાનાં આરોપી ૨૦ વર્ષીય ફરહાનની ધરપકડ કરવામાં આવી છે. મૈસુરનાં પોલીસ કમિશનર ટી બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, તનવીર સેટને ગળા નજીક ઈજાઓ પહોંચી હતી અને ખાનગી હોસ્પિટલમાં તેમનું ઓપરેશન ચાલી રહ્યું છે. જણાવી દઇએ કે, સેટનાં સમર્થકોએ પોલીસને હવાલે કરતા પહેલા આરોપીને ઢોર માર માર્યો હતો.
આ પહેલા કેદારનાથનાં કોંગ્રેસનાં ધારાસભ્ય મનોજ રાવત પર જીવલેણ હુમલો થયો હતો. અગસ્ટમુનિએ તેમના પર પેટ્રોલ નાખીને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તરાખંડ રાજ્ય સ્થાપનાં દિવસની પૂર્વસંધ્યાએ બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા હતા. કોંગ્રેસે આ ઘટનાની કડક નિંદા કરી છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કિશોર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મારા નાના ભાઈ અને કેદારનાથનાં ધારાસભ્ય મનોજ રાવત પર અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ છાટી સળગાવવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો. મેં ડીજીપી સાથે હમણાં જ વાત કરી છે. મને વિશ્વાસ છે કે પોલીસ ત્વરિત કાર્યવાહી કરશે.