કર્ણાટકમાં છેલ્લા પાંચ દિવસમાં ૨૪૨ બાળકોને કોરોનાનો ચેપ
બેંગ્લોર: રાજ્ય સરકાર દ્વારા આંકડામાં જણાવાયું કે રાજધાની બેંગ્લુરમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા ૨૪૨ બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી કે આગામી સમયમાં કોરોનાના કેસોની સંખ્યા હજુ પણ વધી શકે છે. કોરોનાની બીજી લહેર દરમિયાન નિષ્ણાંતો આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે ત્રીજી લહેર બાળકોને સૌથી વધારે પ્રભાવિત કરી શકે છે.
બેંગ્લુરુ મહાનગર પાલિકાએ જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં ૧૯ વર્ષના ઓછામાં ઓછા ૨૪૨ બાળકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે કદાચ ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે. આંકડામાં જણાવ્યાનુસાર તેમાં ૧૦૬ બાળકોની ઉંમર ૯ વર્ષથી ઓછી, ૧૩૬ બાળકો ૯ અને ૧૯ વર્ષની વચ્ચેના છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૧૩૩૮ નવા કેસો નોંધાયા છે.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગામી થોડા દિવસોમાં કોરોનાના કેસો ત્રણ ગણા વધી જશે અને આ મોટો ખતરો છે. કર્ણાટક સરકારે આ જિલ્લામાં નાઈટ અને વીકેન્ડ કરફ્યુ લગાડી દીધો છે. તે ઉપરાંત કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સરહદે પણ પ્રવેશની પાબંધી ફરમાવી દેવાઈ છે. ફક્ત આરટી-પીસીઆર સર્ટિફિકેટવાળા લોકોને જ અવરજવરની છૂટ આપવામાં આવી છે.
પંજાબમાં સ્કૂલો ખોલવાનું અવળું પરિણામ આવ્યું છે. લુધિયાણાની બે સ્કૂલોમાં ૨૦ બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. લુધિયાણાના ડેપ્યુટી કમિશનર વીકે શર્માએ જણાવ્યું કે લુધિયાણામા સ્કૂલો ચાલી રહી છે. શહેરની બે વિદ્યાલયોમાં ૨૦ બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં છે. કોરોનાગ્રસ્ત બાળકોને અલગ પાડી દેવાયા છે. જાેકે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જાેવા મળ્યાં છે તેમની સારવાર ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ૨ ઓગસ્ટના દિવસે તમામ ધોરણની સ્કૂલો ફરી વાર ખોલવાની મંજૂરી આપી હતી.