કર્ણાટકમાં જીપ અને લારી વચ્ચે ટક્કરમાં ૮ના મોત: ૩ ઘાયલ

બેંગ્લુરૂ, હાલ દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ખરાબ રોડ રસ્તાઓને કારણે ચોમાસામાં અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે. આવા સમયે એક મોટા અકસ્માતના સમાચાર કર્ણાટકમાંથી સામે આવી રહ્યા છે. કર્ણાટકના ચિંતામણી તાલુકામાં જીપ અને લારી વચ્ચે ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત ચિંતામણી તાલુકાના મરિનાયકનહલ્લી ખાતે થયો હતો. પીડિતોની ઓળખ દૈનિક વેતન મજૂરો તરીકે કરવામાં આવી છે, જે આંધ્રપ્રદેશ જઈ રહ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ અને ચાર પુરુષો છે.
પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં અન્ય ત્રણ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને ચિંતામણી ધારાસભ્ય જે કે કૃષ્ણ રેડ્ડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.HS