કર્ણાટકમાં દિવાળી પર દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ
બેંગ્લુરુ, કર્ણાટકમાં દિવાળી અગાઉ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ કર્યો છે. સીએમ યેદિયુરપ્પાએ જણાવ્યું કે કોરોના વાયરસ મહામારીને પગલે હવાની ખરાબ ગુણવત્તાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને ફેફસા પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. નિષ્ણાતોના મતે ખરાબ હવાની ગુણવત્તાથી જે લોકો પહેલેથી બીમાર છે તેમના આરોગ્ય પર જોખમ રહેલું છે. કોરોના વાયરસ શ્વસનતંત્ર પર ગંભીર અસર કરે છે.
સીએમ યેદિયુરપ્પાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, દિવાળી અગાઉ આતશબાજી પર પ્રતિબંધ મૂકનાર રાજ્યોમાં કર્ણાટક પણ સામેલ થયું છે. રાજ્ય સરકારે દિવાળીના પર્વ ઉપર ફટાડકા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ અંગે વિસ્તૃત ચર્ચા બાદ આદેશ જાહેર કરાયો છે. કોવિડ 19ને પગલે આ નિર્ણય લેવાયો છે. તાજેતરમાં જ દિલ્હી, ઓડિશા અને રાજસ્થાને પણ દારૂખાનું નહીં ફોડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી છે. કર્ણાટકના આરોગ્ય મંત્રીએ ગુરુવારે જણાવ્યું હતુ કે, ફટાકડના ધૂમાડાથી કોરોના સંક્રમિતો પર પ્રતિકૂળ અસર થશે. તેમણે દિવાળી પર્વ ઉપર લોકોને દારૂખાનું નહીં ફોડવાની પણ વિનંતી કરી હતી.
કર્ણાટકમાં ગુરુવારે વધુ 3,100 કોરોનાના કેસ સામે આવ્યા હતા. 31 લોકોના મોત પણ થયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 8.38 લાખ થયો છે. હરિયાણાએ પણ આંશિક રીતે આતશબાજી પર પ્રતિબંધ લાગુ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે પણ દિવાળી પર્વ પર ફટાકડા નહીં ફોડવા લોકોને અપીલ કરી છે. રાજ્યના ગૃહ વિભાગે લોકોને ફટાકડા નહીં ફોડીને ઘરે ઘરે સંખ્યાબંધ દિવડા પ્રગટાવવાની અપીલ કરી છે. જો કે મહારાષ્ટ્રએ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો નથી.