કર્ણાટકમાં ભાજપ ફરી સત્તા સ્થાને
ભાજપ નેતા યેદિયુરપ્પાએ ચોથીવાર રાજયના મુખ્યમંત્રી તરીકે સોંગદ લીધા
બેંગ્લુરૂ, કર્ણાટક ભાજપ અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પાને રાજભવનમાં રાજયપાલ વજુભાઇ વાળાએ મુખ્યમંત્રી પદના સોગંદ અપાવ્યા હતાં.આ પહેલા ચોથીવાર કર્ણાટક સરકારનું સુકાનુ સંભાળનાર યેદિયુરપ્પાએ સરકાર બનાવવાનો દાવો રાજયપાલ સમક્ષ રજુ કર્યો હતો અને રાજયપાલને તેમણે આજે પદ અને ગોપનીયતાના સોગંદ લેવા અનુરોધ કર્યો હતો ત્યારે યેદિયુરપ્પાએ કહ્યું હતું કે જા કે તે પહેલી જ વિરોધ પક્ષના નેતા છે તો તેના ચુંટવા માટે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાની જરૂરત નથી યેદિયુરપ્પાને ૩૧ જુલાઇ સુધી વિધાનસભામાં બહુમતિ સાબિત કરવી પડશે
મુખ્યમંત્રી તરીકેના સોગંદ લેતા પહેલા તેઓ પોતાનાં ઘરેથી ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને અહીં નેતાઓ અને સાથીઓ સાથે મુલાકાત યોજી હતી ત્યાર બાદ યેદિયુરપ્પાએ બેંગ્લુરૂનાં ખાંડુ મલ્લેશ્વર મંદિરમાં પણ દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ પણ હતા.એ યાદ રહે કે વિધાનસભામાં વિશ્વાસ મતદાન દરમિયાન કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી.
ત્યાર બાદ ભાજપે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. ભાજપ હાલ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી છે. કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ત્રણ દિવસ પછી ભાજપે રાજ્યમાં સરકાર બનાવી છે. જો કે સરકાર બન્યા બાદ ભાજપ સામે અસલ પરીક્ષા બહુમત પરીક્ષણની રહેશે. કારણ કે હાલના વિધાનસભા અધ્યક્ષ રમેશકુમારે ગુરુવારે કોંગ્રેસના ૩ બળવાખોર ધારાસભ્યોને પક્ષ પલટા કાયદા હેઠળ અયોગ્ય ઠેરવ્યા છે.
હજુ ૧૪ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાકી છે. આવામાં સદનના ધારાસભ્યોની સંખ્યા ૨૨૨ છે અને બહુમત માટે ભાજપે ૧૧૨ના આંકડો મેળવવો પડશે. હાલના સમયમાં ભાજપ પાસે ૧૦૬ ધારાસભ્યોનું સમર્થન છે. ૬ ધારાસભ્યો ખુટે છે જેના પર સરકાર બન્યા બાદ બધાની નજર રહેશે. સ્પીકર રમેશકુમારે ગુરુવારે નિર્ણય લીધો કે ૩ ધારાસભ્યોના રાજીનામા સ્વૈચ્છિક અને સ્વાભાવિક નથી આથી તેમને ૨૦૨૩માં હાલની વિધાનસભાનો કાર્યકાળ ખતમ થવા સુધી તત્કાળ પ્રભાવથી પક્ષપલટા કાયદા હેઠળ અયોગ્ય જાહેર કરવામાં આવે છે.
પોતાનો નિર્ણય સંભળાવતા અધ્યક્ષે કહ્યું કે તેઓ આગામી દિવસોમાં બાકીના ૧૪ સભ્યો પર નિર્ણય લેશે.સરકાર બનાવવાની રણનીતિ પર ચર્ચા માટે ગુરૂવારે કર્ણાટકથી ભાજપના નેતાઓનું પ્રતિનિધિમંડળ ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના કાર્યકરી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા દિલ્હી પહોંચ્યા હતા. જેમાં ભાજપના નેતા જગદીશ શેટ્ટી અને અરવિંદ લિમ્બાવલી સહિતના વરિષ્ઠ નેતાઓ હતા. યેદિયુરપ્પાના મંત્રીમંડળમાં કોણ કોણ હશે તેની બાબતે હજુ સુધી કાંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જા કે યેદિયુરપ્પાએ આ બાબતમાં જણાવ્યું હતું કે હું આ બાબતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ચર્ચા કરીશ અને તેમને જાણ કરીશ.