કર્ણાટકમાં યશની ‘ટોક્સિક’નું શૂટિંગ અટકાવવું પડ્યું
ફિલ્મના સેટ માટે ગેરકાયદે વૃક્ષો કપાતાં કર્ણાટકના વન મંત્રી રોષે ભરાયા
‘કેજીએફ’ના કારણે લોકપ્રિય થયેલા યશની આગામી ફિલ્મ ટોક્સિકનું ડાયરેક્શન ગીતુ મોહનદાસ કરી રહ્યાં છે
મુંબઈ,રોકિંગ સ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ના શૂટિંગમાં વિવાદ ઊભો થયો છે, જેના કારણે શૂટિંગ અટકાવવું પડ્યું છે. ફિલ્મનો સેટ બનાવવા માટે સેંકડો વૃક્ષો ગેરકાયદે કપાયાં હોવાનો દાવો કર્ણાટકના વન મંત્રીએ લગાવ્યો હતો. આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવાની માગણી પણ તેમણે કરી હતી. વન મંત્રીએ વૃક્ષ છેદન સામે લાલ આંખ કરતાં ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે. ફિલ્મનો સેટ બનાવવા ગેરકાયદે વૃક્ષો કપાવનારા જવાબદાર અધિકારીઓ અને ફિલ્મની ટીમ સામે ગુનો દાખલ કરવા મંત્રીએ જણાવ્યું છે.
‘કેજીએફ’ના કારણે લોકપ્રિય થયેલા યશની આગામી ફિલ્મ ટોક્સિકનું ડાયરેક્શન ગીતુ મોહનદાસ કરી રહ્યાં છે. ફિલ્મમાં યશની સાથે હુમા કુરેશી, નયનતારા અને અક્ષય ઓબેરોય પણ છે. રિપોટ્ર્સ મુજબ, કર્ણાટકના વન મંત્રી ઈશ્વર ખાંદરે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. તેમણે વૃક્ષો કાપવાની મંજૂરી આપનારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા સૂચના આપી છે.
જંગલ વિસ્તારની જમીનમાં યશની ફિલ્મ માટે સેટ બનાવવામાં આવ્યો હતો.વન મંત્રીએ શૂટિંગ લોકેશનની મુલાકાત લીધી હતી અને તેમણે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિની સામે ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે સંરક્ષિત જાહેર કરેલા વન વિસ્તારમાં વૃક્ષોનું જતન કરવાનું હોય છે, પરંતુ ફિલ્મ માટે પર્યાવરણને હાનિ પહોંચાડવાની હરકતથી તેઓ ગુસ્સે ભરાયા હતા.
આ મામલે તેમણે વન-પર્યાવરણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પત્ર પાઠવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, બેંગલુરુના પીન્યા પ્લાન્ટેશનમાં ૫૯૯ એકર જંગલ વિસ્તાર આવેલો છે. ૧૯૬૦માં હિન્દુસ્તાન મશીન ટૂલ્સને ગેરકાયદેસર રીતે આ જમીન આપવામાં આવી હતી. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ દ્વારા આ વિસ્તાર અનેક પ્રવૃત્તિઓ માટે ભાડે અપાય છે. જેમાં ફિલ્મના શૂટિંગનો પણ સમાવેશ થાય છે. ss1