કર્ણાટકમાં રામાયણ, મહાભારતની સાથે કુરાન પણ ભણાવવામાં આવશે
બેંગલુરૂ, દેશની વર્તમાન સાંપ્રદાયિક ઘટનાઓ વચ્ચે કર્ણાટક સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે કે, ચાલુ શૈક્ષણિક વર્ષથી નૈતિક વિજ્ઞાન અભ્યાસક્રમનો હિસ્સો બનશે અને માત્ર એક ધર્મ પૂરતું સીમિત નહીં રહે.
કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બીસી નાગેશના કહેવા પ્રમાણે તમામ ધર્મોના પુસ્તકો ભણાવવામાં આવશે. પંચતંત્ર, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, કુરાન અને અન્ય સહિતના તમામ ધર્મોનો સાર નૈતિક અભ્યાસનો હિસ્સો બનશે. એક સમિતિ દ્વારા અભ્યાસક્રમ નિર્ધારિત કરવામાં આવશે અને તે વિષયની કોઈ પરીક્ષા નહીં લેવાય.
તેમણે જણાવ્યું કે, મદરેસાઓ કે અલ્પસંખ્યક સમુદાય તરફથી આ પ્રકારની કોઈ માગણી નથી કરવામાં આવેલી. વાલીઓએ અમને મદરેસાના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓની જેમ નિયમિત શિક્ષણ પ્રદાન કરવા જણાવ્યું છે જેથી તેઓ અન્ય બાળકો સાથે પ્રતિસ્પર્ધા કરી શકે. વ્યવસાયિક અભ્યાસક્રમ અને પ્રતિયોગી પરીક્ષાઓ આપી શકે.
શાળાઓમાં પ્રારંભિક શિક્ષણ પણ અપાશે જ્યાં શિક્ષક વિશેષરૂપે મહામારી બાદની દુનિયામાં શીખવાની ગુણવત્તામાં સુધારા માટે ગીત અને નૃત્યના માધ્યમથી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આગામી 1 જૂનથી નિયમિત વર્ગો શરૂ થવાના છે અને વિદ્યાર્થીઓને ગૃહકાર્ય પણ ઓછું આપવામાં આવશે.
અગાઉ શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી બોમ્મઈએ કહ્યું હતું કે, શાળાકીય શૈક્ષણિક અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતા સામેલ કરવાનો નિર્ણય ચર્ચા બાદ લેવામાં આવશે કારણ કે, તે શાસ્ત્ર નૈતિક મૂલ્યોનું શિક્ષણ પ્રદાન કરે છે.