કર્ણાટકમાં હવે મુસ્લિમ ડ્રાઇવર શ્રદ્વાળુઓને મંદિર દર્શન માટે લઇ જઇ શકશે નહીં

બેંગ્લુર, કર્ણાટકમાં હાલ મુસ્લિમ વિરૂદ્વ એજન્ડા પર અનેક સંગઠનો કામ કરી રહ્યા છે,જેના લીધે પરિસ્થિતિ તંગ બની જાય છે, હલાલ, મંદિરો અને ધાર્મિક મેળાઓમાં મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કર્યા પછી, કર્ણાટકમાં હિન્દુ સંગઠનોએ હવે બીજી ઝુંબેશ શરૂ કરી છે, જેમાં હિન્દુઓને મંદિરની મુલાકાત વખતે મુસ્લિમ ડ્રાઇવરો અને મુસ્લિમ માલિકીની ટ્રાન્સપોર્ટ કંપનીઓનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.
ભારત રક્ષા વેદિકેના પ્રશાંત બંગેરાએ હિન્દુઓને અપીલ કરી હતી કે તેઓ મુસ્લિમ ડ્રાઇવરોને મંદિરની મુલાકાતો અને તીર્થયાત્રાઓ માટે તેમની સાથે ન લઈ જાય. તેમણે મુસ્લિમ ટ્રાન્સપોર્ટ કંપનીઓની માલિકીના વાહનોનો ઉપયોગ ન કરવા પણ હાકલ કરી હતી.
તેમણે વિનંતી કરી કે તમામ હિંદુ સંગઠનોએ તેમના આહ્વાનને સમર્થન આપવું જાેઈએ અને લોકોમાં આ અંગે જાગૃતિ ફેલાવવી જાેઈએ. શ્રી રામ સેનાએ આ કોલને ટેકો આપ્યો હતો.
શ્રી રામ સેનાના સ્થાપક પ્રમોદ મુથાલિકે વિનંતી કરી છે કે મુઝરા વિભાગે ઉત્તર કર્ણાટકના બેલાગવી જિલ્લામાં પ્રખ્યાત સાવદત્તી યેલ્લામ્મા મંદિર ખાતે મુસ્લિમ વેપારીઓ અને વિક્રેતાઓને નોટિસ જારી કરવી જાેઈએ.
તેમણે કહ્યું કે જાે દુકાનો ખાલી કરવામાં નહીં આવે તો શ્રી રામ સેનાના કાર્યકર્તાઓ મુઝરાઈના મંત્રી શશિકલા જાેલેને મળશે અને તેમને ખાલી કરાવવાની માંગ કરશે.
પ્રમોદ મુથાલિક અગાઉ ડેપ્યુટી સ્પીકર અને ભાજપના ધારાસભ્ય આનંદ મામાનીને મળ્યા હતા અને વિનંતી કરી હતી કે બિન-હિન્દુ વેપારીઓને સાવદત્તી યેલમ્મા મંદિરના પરિસરમાંથી ખાલી કરવામાં આવે.HS