કર્ણાટક અને જામનગર બાદ હવે રાજસ્થાનમાં પણ ઓમિક્રોનનાં કેસ નોંધાયા

નવીદિલ્હી, સમગ્ર વિશ્વ આજે કોરોનાનાં નવા વેરિઅન્ટથી પ્રભાવિત થઇ રહ્યુ છે. દુનિયાનાં લગભગ ૩૪ દેશોમાં આ વેરિઅન્ટે એન્ટ્રી કરી દીધી છે. તેટલુ જ નહી હવે આ વેરિઅન્ટે ભારતમાં પણ પ્રવેશ કરી સરકારની ચિંતામાં વધારો કર્યો છે. કર્ણાટકમાં બે ઓમિક્રોન સંક્રમિત હોવાની શોધ બાદ, ગુજરાતમાં અને હવે રાજસ્થાનમાં કેટલાક શંકાસ્પદ મળી આવતા રાજ્ય સરકારો ફફડી ઉઠી છે.
આ પહેલા જામનગરમાં ઓમિક્રોન શંકાસ્પદ મળી આવ્યા હતા અને હવે દક્ષિણ આફ્રિકાથી જયપુર પરત આવેલા એક જ પરિવારનાં ૪ સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. ચારેયમાં ઓમિક્રોનનાં ડરથી રાજસ્થાનનાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
પીડિતાનો પરિવાર જયપુરનાં દાદી કા ફાટકનાં રહેવાસી છે અને થોડા દિવસ પહેલા જ દક્ષિણ આફ્રિકાથી જયપુર પરત ફર્યા હતા. ચારેય સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. પરિવારનાં સભ્યોમાંથી માતા-પિતા અને તેમની ૮ વર્ષ અને ૧૫ વર્ષની બે પુત્રીઓ સંક્રમિત જાેવા મળી છે.
જાે કે હજુ સુધી તેમનામાં ‘ઓમિક્રોન’ વેરિઅન્ટ જાેવા મળ્યું નથી, પરંતુ હાલમાં સમગ્ર પરિવારને ક્વોરેન્ટિન કરવામાં આવ્યો છે અને ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. ચિંતાજનક વાત એ છે કે કોરોના પોઝિટિવ પરિવારનાં ૯ લોકો ૨૫ નવેમ્બરનાં રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. દરમિયાન, ચેપગ્રસ્ત સભ્યો ૧૨ લોકોને મળ્યા, જેમાંથી ૫ લોકો કોવિડ-૧૯ પોઝિટિવ હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે તમામ સંક્રમિતોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, ઓમિક્રોન ખતરાને ધ્યાનમાં રાખીને, તમામ સંક્રમિતોને ક્વોરેન્ટિનમાં રાખવામાં આવ્યા છે, તમામની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી છે.
જાે કે, ઓમીક્રોનની પુષ્ટિ માટે રિપોર્ટની હજુ રાહ જાેવામાં આવી રહી છે. પરિવારનાં સંક્રમિત સભ્યોએ કોવિડ-૧૯ રસીનાં બન્ને ડોઝ લીધા છે અને કોઈપણ સભ્યમાં કોરોનાનાં લક્ષણો જાેવા મળ્યા નથી. આપને જણાવી દઈએ કે, કેરળમાં ઓમિક્રોનથી સંક્રમિત બે લોકોની પુષ્ટિ થઈ છે, જેમાંથી એક ૬૬ વર્ષીય વ્યક્તિ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો છે જ્યારે અન્ય વ્યક્તિ આરોગ્ય કર્મચારી છે.HS