કર્મકાંડી બ્રાહ્મણો તથા પ્રસાદ-ફૂલ-શ્રીફળ વેચીને ગુજરાન ચલાવનારા કફોડી હાલતમાં

કોરોનાને કારણે મંદિરો બંધ રહેતા તેઓ કામધંધા વિનાના થઈ ગયા છે
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાને કારણે મંદિરો અને ધાર્મિક ક્રિયાઓ બંધ થતા અનેક છૂટક કામ કરતા લોકોને અસર થઈ છે. મંદિરો લગભગ બંધ છે. માત્ર દર્શન કરવા પૂરતા ખોલાય છે એટલે કોઈ ધાર્મિકવિધિ થતી નથી કે મંદિરમાં પ્રસાદનો ચઢાવો કરવા દેવામાં આવતો નથી. જેને કારણે મંદિરની બહાર ફૂલ-પ્રસાદ-ચુંદડી- શ્રીફળ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરનારા અનેક નાના રેંકડીવાળા કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે સાંઈબાબાના મંદિરની બહાર ગુલાબ અને પ્રસાદના પેકેટ લઈને ઘણા લારીવાળા જાેવા મળતા હતા પરંતુ મંદિરો બંધ થતા તેઓ કામધંધા વિનાના થઈ ગયા છે
તેવી જ હાલત ફૂલવાળાઓની થઈ છે. ફૂલ અને ફળના હારની સાથે ચુંદડીઓ અને શ્રીફળનું વેચાણ થતુ હતું તે બધુ ઠપ થઈ ગયું છે ભક્તજનો મોટી સંખ્યામાં માતાજીને ચુંદડી અને શ્રીફળ અર્પણ કરતા હતા. તો ફૂલો અને ફળોના હાર પણ ભગવાનની મૂર્તિ પર ચઢાવવામાં આવતા હતા. જયારે ધાર્મિક પ્રસંગોમાં મંદિરોમાં ફૂલોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરાતો હતો વિધિ- વિધાન કરાવતા કર્મકાંડી બ્રાહ્મણો અલગ અલગ વિધિમાં ફુલ-ફળનો વિશેષ ઉપયોગ કરતા હતા. આ બધુ બંધ થઈ ગયુ છે મંદિરો બંધ છે જે મંદિરો ખુલ્લા છે તેમાં ગર્ભગૃહમાં મંદિરના મહારાજ સિવાય કોઈને પ્રવેશ અપાતો નથી પરિણામે ભગવાન કે માતાજીની મૂર્તિ સુધી પહોંચી શકાતુ નથી.
જે મંદિરોમાં પ્રસાદ અપાતો હતો તેવા તમામ મોટા મંદિરોમાં પ્રસાદનું વિતરણ બંધ કરાયુ છે જેને કારણે આ વ્યવસાય પર નભતા અનેક લોકો પર વજ્રઘાત થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. કોરોનાના કારણે લોકડાઉનમાં લગ્નગાળાનો સમય પસાર થઈ ગયો હોવાથી ફૂલના હાર બનાવનાર- ગાડી શણગારનારા તમામ નાના વ્યવસાયકારો- ધંધાર્થીઓ કફોડી હાલતમાં મૂકાયા છે. બ્રાહ્મણોને તો લાંબા સમયથી કર્મકાંડ- વિધિ વિધાન કરવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ હોવાથી જીવન નિર્વાહના સાંસા પડી રહયા છે. મોટા કર્મકાંડી પંડિતોને વાંધો આવે તેમ નથી પરંતુ નાના-મધ્યમ પ્રકારના કામ મેળવતા કર્મકાંડી બ્રાહ્મણોની હાલત કફોડી થઈ ગઈ છે.
મંદિર અને ધાર્મિક બાબતોની સાથે સંકળાયેલા તમામ નાના-મોટા વ્યવસાયીની હાલત લોકડાઉન પછી અનલોકમાં પણ કફોડી થઈ ગઈ છે વિધિ- વિધાનમાં સોશિયલ ડીસ્ટન્સનો પ્રશ્ન ઉભો થાય છે તેને કારણે બ્રાહ્મણો વિધિ કરી શકતા નથી. રાજય સરકાર કર્મકાંડી- મંદિરોમાં કામ કરતા બ્રાહ્મણો માટે આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. પરંતુ તેમની આ માંગણીનો હજુ સુધી સ્વીકાર થયો નથી
કોરોનામાં સૌને તકલીફ છે તેની સાથે સાથે કર્મકાંડી બ્રાહ્મણો તથા નાના વેપારીઓને પણ તકલીફનો પાર નથી. દરેકને આર્થિક સમસ્યા નડી રહી છે. કોરોનાને કારણે હજુ મંદિરો રેગ્યુલર ખુલશે કે કેમ ?? તે સવાલ છે, મંદિરોમાં સેંકડોની સંખ્યામાં ઉમટી પડતા ભકતજનો સરકારી ગાઈડલાઈનને અનુસરતા નથી.