કર્મચારીના એક સાથે બે મોબાઈલ ફોન ચોરાઈ ગયા
અમદાવાદ: અત્યાર સુધીમાં અનેક દુકાનોમાં કે ઘરોમાં ચોરી થઇ હોવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ હવે અમદાવાદ શહેરમાં તસ્કરો એટલા બેફામ બન્યા છે જેના કારણે થઈ અવનવા ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે. તાજેતરમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાંથી તસ્કરો ચાર્જિંગમાં મૂકેલા બે મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ મામલે તસ્કરોએ કરેલી ચોરીની સાથે ૧૦૮ના કર્મચારીની બેદરકારી પણ ગણી શકાય છે.
નરોડામાં રહેતા જીતેન્દ્રભાઈ ભૂનેતર ૧૦૮ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. બે વર્ષથી શાહઆલમમાં ૧૦૮ના લોકેશન ઉપર ઇન્ચાર્જ તરીકે ફરજ નિભાવે છે. જેમાં તેઓને સરકારી મોબાઈલ પણ ઈશ્યૂ થયો છે. બે દિવસ પહેલા તેઓની શિફ્ટ દરમિયાન તેઓ હાજર હતા.
ત્યારે ૧૦૮ વાનના પાયલોટ બળદેવભાઈ પણ હાજર હતા. તે દરમિયાન તેમને એક ઇમરજન્સી કોલ એટેન્ડ કર્યા બાદ છેલ્લે એક વાગ્યાનો કોલ પૂરો કરી પાયલોટ સાથે આરામ કરતા હતા. ત્યારે ત્રણ વાગ્યે એક કોલ આવેલો હતો જે ઈસનપુરથી એલજી હોસ્પિટલનો હતો. જેથી તેઓ તેમના લોકેશન ઉપર ગયા હતા.
આ દરમિયાન તેમણે તેમનો સરકારી મોબાઈલ અને પોતાનો પર્સનલ મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો હતો. સવારે સાત વાગ્યે ૧૦૮ વાનમાં મોબાઈલ લેવા જતાં મોબાઈલ ફોન જણાયા ન હતા. જેથી તેઓ જે લોકેશન ઉપર હતા ત્યાં સિક્યુરિટી ગાર્ડ અને સામે ચાની કીટલી વાળાને પૂછપરછ કરી હતી. પરંતુ તેઓને કોઇ સફળતા મળી ન હતી. જેથી બંને મોબાઇલ ફોન ચોરી થતાં તેઓએ કાગડાપીઠ પોલીસનો સંપર્ક કરતા કાગડાપીઠ પોલીસે આ મામલે ગુનો નોંધી તસ્કરોની તપાસ હાથ ધરી છે.