Western Times News

Gujarati News

કર્મચારી-પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો

અમદાવાદ: નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત સરકારે નવ લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને આજે મોટી ભેટ આપી હતી અને આ ભેંટના ભાગરૂપે પાંચ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ના પગાર સાથે ચુકવવામાં આવશે. પહેલી જુલાઈ-૨૦૧૯થી પાંચ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. ડિસેમ્બર-૨૦૧૯ સુધીના છ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકાવવામાં આવશે. જેનો નિર્ણય હવે પછી કરાશે. નાણાંમંત્રી નિતિન પટેલે આજે આ અંગેની જાહેરાત કરી હતી. સરકારે રાજયના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપતાં તેમના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો છે.


રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ અંગે અગત્યની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવાશે. મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે રાજય સરકાર પર રૂ.૧૮૨૧ કરોડનો બોજા પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકારની કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ આ નિર્ણય સાથે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપી છે.

રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો છે. આ વધારો તા.૧ જુલાઈ,૨૦૧૯થી અમલમાં આવશે અને તેનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે. આમ હવે કર્મચારીઓને ૧૨ ટકાની જગ્યા ૧૭ ટકા મોંઘવારી ભથ્થું મળશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યમંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારના, પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ તથા કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત હાલમાં બાર ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવે છે. પહેલી જુલાઈ-૨૦૧૯થી વધુ પાંચ ટકા મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે. જે સંદર્ભે અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે વધુ પાંચ ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.