કર વસુલવા આમૂલ પરિવર્તનો સાથે આવકવેરા વિભાગ સજ્જ : અમિત જૈન
અમદાવાદ, ભ્રષ્ટાચાર નિર્મૂલન અને પ્રામાણિક કરદાતાઓના સન્માન માટે અતિ અગત્યની પહેલ એટલે માનવ રહિત ઇલેક્ટ્રોનિક આવકવેરા આકારણીની પ્રણાલી: ડૉ. ધીરજ કાકડિયા રાજ્યના પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્સ શ્રી અમિત જૈને કહ્યું છે કે, કર પ્રણાલીમાં પારદર્શકતા લાવવા ભારત સરકારના નિર્દેશ અનુસાર આમૂલ પરિવર્તન કરાઈ રહ્યા છે. તારીખ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પારદર્શક પ્રણાલી સુનિશ્ચિત કરવા ફેસલેસ એસેસમેન્ટ એટલે કે માનવ રહિત આકારણીનો આરંભ કરાવ્યો હતો.
આ વિષય ઉપર ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતા પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સહયોગથી ઉપક્રમે આજે યોજાયેલ વેબિનારમાં અમિત જૈને વધુમાં જણાવ્યું હતું કે, આવક વેરા અધિકારીઓની જગ્યાએ હવે આકારણી, સર્વે અને અપીલની કામગીરી કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રોનિક પધ્ધતિથી કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અને પી.આઈ.બીના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ માનવ રહિત આકારણી પ્રથાની મુખ્ય લાક્ષણિકતાઓ અને સંભવિત ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, પારદર્શકતા, કાર્યક્ષમતા અને જવાબદેહિતા સુનિશ્ચિત કરતી આ પ્રથા કરદાતાઓને હોંશે હોંશે કર ભરી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપવા પ્રરેણારૂપ બની રહેશે. પ્રામાણિક કરદાતાઓની સન્માન કરનારી આ પ્રથા ભષ્ટાચાર નિર્મૂલન માટે અકસીર ઈલાજ સાબિત થશે.