કલમ ૩૭૦ની નાબૂદી બાદ ૪૯ ત્રાસવાદીઓ ઠાર થયા
કલમ ૩૭૦ની નાબૂદી બાદ ૭૯ આતંકવાદી ઘટના બની
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદથી રાજ્યમાં ૭૯ આતંકવાદી ઘટનાઓ બની ચુકી છે. સાથે સાથે ૪૯ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. લોકસભામાં આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કૃષ્ણરેડ્ડીએ માહિતી આપતા કહ્યું હતું કે, પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ અને ૧૦મી માર્ચ ૨૦૨૦ વચ્ચેના ગાળામાં દેશમાં કોઇપણ મોટો આતંકવાદી હુમલો થયો નથી.
આતંકવાદી હુમલાને રોકવામાં સરકાર સંપૂર્ણપણે સફળ રહી છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદથી ૭૯ આતંકવાદી ઘટનાઓ બની છે જે પૈકી ૪૯ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પ્રશ્ન કલાક દરમિયાન આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી.
અન્ય એક પ્રશ્નના જવાબમાં રેડ્ડીએ કહ્યું હતું કે, ફેબ્રુઆરી ૨૦૧૯માં આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા ઉપર જે હુમલો કર્યો હતો તે મામલામાં તપાસ ચાલી રહી છે. પુરતી માહિતી હજુ સુધી મળી શકી નથી. પુલવામા હુમલા બાદ ૮૨ સુરક્ષા જવાનો આતંકવાદ સામેની લડાઈમાં શહીદ થઇ ચુક્યા છે.
બીજી બાજુ પુલવામા હુમલા બાદથી જ ભારતે પાકિસ્તાનમાં ઘુસી જઈને હવાઈ હુમલા મારફતે અનેક આતંકવાદી કેમ્પોને ફુંકી માર્યા હતા. કલમ ૩૭૦ની જાગવાઈઓને નાબૂદ કર્યા બાદથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના તમામ પગલા લેવાઈ રહ્યા છે. કેન્દ્રની યોજનાઓ પણ અમલી કરવામાં આવી રહી છે. ગોળીબારની કોઇ ઘટનાઓ બની નથી.
શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. નિયંત્રણો પણ મોટાભાગે ઉઠાવી લેવામાં આવ્યા છે. એક પછી એક રાજકીય નેતાઓનો મુક્ત કરવમાં આવી રહ્યા છે. પીડીપીના નેતા મહેબુબા મુફ્તી અને એનસીના નેતા ઓમર અબ્દુલ્લાને પણ મુક્ત કરવાની હિલચાલ ચાલી રહી છે પરંતુ હજુ સુધી આ સંદર્ભમાં કોઇ નિર્ણય કરાયો છે.