કલમ ૩૭૦ને દુર કરવાનો નિર્ણય વિચારીને કરાયો છે
નવી દિલ્હી : આર્ટિકલ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ સરકારના આ નિર્મયને ઐતિહાસિક તરીકે ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યુ હતુ કે આ નિર્ણય રાજ્યના વિકાસની દિશામાં દોરી જશે. મોદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ છે કે અમે ખુબ વિચારણા કરીને આ નિર્ણય લઇ શક્યા છીએ. મોદીએ એમ પણ કહ્યુ હતુ કે હવે જમ્મુ કાશ્મીર પણ અન્ય રાજ્યોની જેમ વિકાસ સાથે આગળ વધશે. મોદીએ કહ્યુ હતુ કે રાજ્યમાં મુડીરોકાણ માટે માહોલ બની શકે તે દિશામાં પહેલ કરવામા ંઆવી રહી છે.
કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ રાજ્યના યુવાનો માટે રોજગારીની અનેક નવી તક મળશે. સ્થાનિક લોકોની પ્રગતિ થશે. મોદીએ દાવો કરતા કહ્યુ હતુ કે અનેક ઉદ્યોગો દ્વારા પહેલાથી જ જમ્મુ કાશ્મીરમાં રોકાણ કરવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. આના કારણે યુવાનોને રોજગારીની વધારે તક મળશે. ખુલ્લા વિચારો અને ખુલી રણનિતી રાજ્યના વિકાસમાં ભૂમિકા અદા કરી શકે છે. વડાપ્રધાને કહ્યુ હતુ કે રાજ્યમાં રોકાણના માર્ગને મોકળો કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.
સૌથી પહેલા તો સુરક્ષા પાસા પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. હાલમાં પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામા ંઆવ્યા છે. જા કે રાજ્યમાં ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની જશે. લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુવાનોને યોગ્ય શૈક્ષણિક તક આપવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
સારા વર્કફોર્સની તૈયારી કરવામાં આવશે. શિક્ષણના ક્ષેત્રમાં ટોપની સંસ્થાઓ, આઈઆઈટી, આઈઆઈએમ અને એમ્સ સ્થાપિત કરવામાં આવશે જેથી યુવાનોને વધુ તક મળશે. જમ્મુ કાશ્મીરમાં વધુ સારી કનેક્ટીવીટી પણ આપવામાં આવશે. માર્ગો, નવી રેલવે લાઈનો અને અરપોર્ટને આધુનિક બનાવાશે.