કલમ-૩૭૦ હટાવ્યા બાદ કઠુઆમાં પ્રથમ વખત ૪૦ કિલો RDx જપ્ત
કઠુઆ, કાશ્મીરમાં જયારથી સરકારે કલમ- ૩૭૦ હટાવી છે ત્યારથી રાજયનો માહોલ ખરાબ કરવાની સતત કોશિશ કરાઈ રહી છે. પાકિસ્તાની સેના દ્વારા અવારનવાર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
કઠુઆમાં એક મોટા આતંકી હુમલાને નાકામિયાબ કરવામાં આવ્યો છે. ભારતીય સેનાની ઈન્ટેલિજન્સ એજન્સીએ કઠુઆ જિલ્લાના બિલાવર તાલુકાના દેવલ ગામમાં આતંકીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલ ૪૦ કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કર્યું છે.
આરડીએક્સનો આ જંગી જથ્થો ગામના એક ઘરમાં છુપાવવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ તેને આતંકીઓની એક મોટી સાજિશ તરીકે જાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરના પુનઃ ગઠન બાદ પ્રથમ વાર જંગી જથ્થામાં વિસ્ફોટક પદાર્થ મળી આવ્ય્ છે.
ભારતીય સેનાને એવી બાતમી મળી હતી કે દેવલ ગામના ખલીલ અહેમદના ઘરમાં જંગી જથ્થામાં આરડીએક્સ એકત્ર કરવામાં આવ્યું છે. આ બાતમી બાદ સેનાએ ખલીલના ઘરને ચારે બાજુથી કોર્ડન કરી લીધું હતું, એ વખતે ઘરમાં ખલીલ અહેમદની બીજી પત્ની પ્રિયંકા ઉર્ફે મહેક હાજર હતી. જયારે ખલીલ પોતાની પ્રથમ પત્ની સાથે નજીકના એક ગામમાં લગ્ન સમારોહમાં ગયો હતો. બીજી પત્નીને ગંધ આવી જતાં તેણે આરડીએક્સને ઘરની પાછળની દીવાલે ફેંકી દીધો હતો. બિલાવરમાં આટલા જંગી જથ્થામાં આરડીએક્સ મળવાની આ પ્રથમ ઘટના છે. આ અગાઉ બે મહિના પહેલાં બિલાવરના જ દુરંગ ગામમાં એક ઝાડ પાસેથી પાંચ કિલો ગન પાઉડર મળ્યો હતો.