કલર્સ ગુજરાતી પર ‘બોલો કેટલા ટકા’ બ્લોકબસ્ટર ગેમ શો પ્રસ્તુત થશે

ગુજરાતી મનોરંજન ચેનલ કલર્સ ગુજરાતી એક તદ્દન નવો ગેમ શો લઈને આવી રહ્યું છે. આ શો હોસ્ટ કરશે પ્રખ્યાત આર જે કુણાલ (મિર્ચી મુર્ગા ફેમ આર જે – રેડિયો મિર્ચી). કલર્સ ગુજરાતી દ્વારા પ્રસ્તુત આ શો તા. 21મી ઓગસ્ટથી દર શનિવારે અને રવિવારે રાત્રે 9:00 વાગ્યે પ્રસારિત થશે અને કલર્સ ગુજરાતીના આ અનોખા ગેમ શો માં પહેલીવાર દેખાશે 50 થી વધુ સેલિબ્રિટીઝ.
ગુજરાતી મનોરંજનમાં આ અલગ જ પ્રકારના નોન-ફિક્શન ગેમ શો બોલો કેટલા ટકા નું ફોર્મેટ પણ ખુબ જ રસપ્રદ બનાવવામાં આવ્યું છે. આ ગેમ શો એક કલાકનો રહેશે અને ફોર્મેટમાં સેલિબ્રિટીઝ જ નહિ પરંતુ જનસમુદાય ને પણ ભાગ લેવાની તક મળશે.
રેડિયો મિર્ચી ના પ્રખ્યાત આર જે અને મુર્ગા ડોન કુણાલ દ્વારા રમૂજ અને મનોરંજનની વિવિધતાઓ પણ પીરસવામાં આવશે. ગેમ શો ના ફોર્મેટ માં સ્પર્ધાના ચાર રાઉન્ડ છે જેમાં સ્પર્ધકોને ગુજરાતીઓના વર્તન, સંસ્કૃતિ, આવડત અને ખોરાક અંગે વિવિધ સવાલો પૂછવામાં આવશે
જેનો જવાબ ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવતા સ્પર્ધક ગુજરાતી પરિવાર દ્વારા આપવાનો રહેશે. ચાર રાઉન્ડના અંતે એક પરિવાર જીતશે “પાક્કો ગુજરાતી પરિવાર”નું ટાઇટલ. સૌથી વધુ ટકાવારી મેળવનાર પરિવાર જીતશે ગ્રાન્ડ ઇનામ. આ શો ની શરૂઆત એક કલાકના સેલિબ્રિટી સ્પેશિયલ એપિસોડ થી કરવામાં આવશે. આ એપિસોડમાં ભાગ લેતા સેલિબ્રિટી પોતાના પરિવાર કે મિત્રો સાથે શો માં ભાગ લેશે અને ગેમ ની મજા માણશે.
કલર્સ ગુજરાતી ચેનલ ના પ્રોગ્રામિંગ હેડ ડો. દર્શિલ ભટ્ટે વધુમાં જણાવ્યું કે, “કલર્સ ગુજરાતી તેના કન્ટેન્ટમાં સતત નાવીન્ય લાવવાનો પ્રયાસ કરતું રહે છે. બોલો કેટલા ટકા શો પણ આ જ પ્રયત્નોનો એક સફળ પ્રયાસ છે જેમાં ગુજરાતી દર્શકોને મનોરંજનની સાથોસાથ પોતાની સંસ્કૃતિ સાથે જોડી શકાય.
ગુજરાતીઓ તેમની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસા પ્રત્યે આદર અને પ્રેમ ધરાવે છે, આ ગેમ શોમાં એ આદર અને પ્રેમને થોડો અનોખી રીતે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દર્શકો શો ની મજા તો માણી જ શકશે પણ સાથોસાથ ઇનામો જીતવાની તક પણ મેળવશે. આર જે કુણાલના આ શો ના હોસ્ટ તરીકે આવવાથી શો ને એક અલગ જ ઓળખ અને જોમ મળશે.
શોના નિર્માતા સોહમ માસ્ટરે જણાવ્યું હતું કે, “કલર્સ ગુજરાતી સાથે મારો સંબંધ ૨૦૧૪ થી રહ્યો છે, તે વર્ષમાં ખૂબ જ લોકપ્રિય ગેમ શો માટે કલર્સ ગુજરાતી નો ચહેરો બનવું એ મારી સફરની શરૂઆત હતી. આજે એક નિર્માતા તરીકે કલર્સ ગુજરાતી માટે મારા આગામી શો “બોલો કેટલા ટકા” ની ઘોષણા કરતા ખૂબ જ આનંદ મળે છે. આશા રાખું છું કે આ શો દ્વારા હું દર્શકોને અદ્દભુત મનોરંજન પૂરું પાડી શકીશ. દર્શકોનો આવકાર ભવિષ્યમાં મને નવું નવું કન્ટેન્ટ બનાવવા માટે પ્રેરિત કરતો રહેશે.
પ્રખ્યાત આર જે કુણાલ એ કહ્યું કે “હું કલર્સ ગુજરાતી ચેનલ માટે મારા પ્રથમ ટેલિવિઝન એક્સપોઝર ને લઇ ને ખુબ જ રોમાંચિત છું, અત્યાર સુધી લોકોએ મને ફક્ત મારા અવાજ થી જ લોકપ્રિય બનાવ્યો છે. હવે હું તેમને જોઈ શકીશ, તેમની સાથે વાત કરી શકીશ અને તેમને સવાલો પૂછી અને મનોરંજન પણ પૂરું પાડી શકીશ અને આ રોલ મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની ચેલેન્જ પણ આપે છે, હું ખૂબ જ ઉત્સાહિત છું”.
તો તારીખ 21 ઓગસ્ટ થી દર શનિવાર અને રવિવારે રાત્રે 9:00 વાગ્યે કલર્સ ગુજરાતી પર મળશે 100 ટકા રમૂજ અને ભરપૂર મનોરંજન કારણ કે આવી રહ્યું છે “બોલા કેટલા ટકા”