Western Times News

Gujarati News

કલાકારો દ્વારા પંદર દિવસમાં 14,200 જેટલી આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાઓની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું 

ગ્રામીણ વિસ્તારોમાં પંદરમાં દિવસે જાગૃતિ સંદેશનો પ્રચાર-પ્રસાર અવિરત ચાલુ

PIB Ahmedabad, કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેમજ  કેન્દ્ર સરકારના તાજેતરનાં ઐતિહાસિક નિર્ણયો જેવા કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત યોજના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પીએમ એગ્રિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના, માનવસંપર્ક રહિત આવકવેરાની આકારણી, ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020, કિંમતની ખાતરી અંગે ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 જેવાં નિર્ણયોની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણનું મહત્વ, કુપોષણ એટલે શું?, બાળકના શરૂઆતના 1000 દિવસની કાળજી જેવી અગત્યની જાણકારી  ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ દ્વારા રાજ્યમાં કોવિડ વિજય રથ અભિયાન ચાલી રહ્યું છે. કોવિડ વિજય રથ પર સવાર લોક કલાકારો દ્વારા પંદર દિવસમાં 14,200 જેટલી આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાઓની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

આજે પંદરમાં દિવસે મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રામભાઇ. વી. પટેલ, આર.સી.એચ.ઑ ડૉ. વિષ્ણુભાઈ પટેલ, મેડિકલ ઓફિસર ડૉ. પાર્થએ લીલી ઝંડી આપી આ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આજે રથ બ્રાહ્મણવાડા પોલીસ સ્ટેશન, ઊંઝા શહેર જનરલ હોસ્પિટલ, ગાંધી ચોક, ઉમિયા માતા મંદિર ચોક, ઉનાવા ગામ, ભાન્ડુ ગામ વગેરે વિસ્તારમાં ફરી સરકારની વિવિધ પહેલ જેવી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત યોજના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પીએમ એગ્રિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના તથા માનવસંપર્ક રહિત આવકવેરાની આકારણી જેવાં નિર્ણયોની માહિતી પહોંચાડી હતી. રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયે પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રામવાવ ગામના સરપંચ શ્રી સાગરભાઈ આહિરે કોવિડ વિજય રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોતાની કળા દ્વારા યોગ્ય પોષણ વિશે અને કોરોનાના લક્ષણો અંગે શું સાવચેતી રાખવી તે વિશે સ્થાનિકોને જાણકારી આપી હતી. તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તથા માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. રામવાવ ગામ, કુડા (જામપર) ગામમાં રથે ભ્રમણ કર્યું હતું.

રાજકોટ જિલ્લા પંચાયતથી સાવરે 10 વાગે રથે પ્રસ્થાન કર્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભદેરીએ લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે 60 કિલોમીટર ભ્રમણ કર્યું હતું. આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ, જે. કે. ચોક, સોંરાષ્ટ્ર કેન્સર કેર વગેરે સ્થળોએ ભ્રમણ કરી રથ પર સવાર કલાકારોએ ભવાઈના માધ્યમથી સ્થાનિક લોકોમાં પોષણ એટલે શું? પોષણનું મહત્વ તેમજ કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

 

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર  ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. નીલમ બેન પંડયાએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથ પર સવાર કલાકારોએ મલેકપુર ગામ, સંઘરી બસ સ્ટેન્ડ વગેરે વિસ્તારોના લોકોમાં કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો. આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

આજે સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં રથે સિંગોદ ગામથી આજની યાત્રા શરુ કરી હતી. સિંગોદ ગામ, બામણી ગામ, નાની ભાટલાવ વગેરે ગામમાં ભ્રમણ કરી માસ્ક તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત કોરોના વિનર શ્રી વિજયભાઈ અને શ્રીમતી વિભાબહેનનું સન્માન પણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોતાની કળા દ્વારા લોકો સુધી કોરોના જાગૃતિ સંદેશ તેમજ પોષણની યોગ્ય જાણકારી પહોંચાડી હતી.

કોવિડ માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય તે હેતુથી આ કોવિડ રથમાં માર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કળા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક, જાદુ વગેરે દ્વારા સ્થાનિકો સુધી આ તમામ માહિતી પહોંચાડી રહ્યા છે. આ રથ યાત્રા દરમિયાન કોરોનાને મહાત કરી સાજા થયેલાં કોરોના વિનર્સને ઠેક-ઠેકાણે જનતા સમક્ષ રજૂ કરી આત્મવિશ્વાસ બુલંદ કરવાનો પણ લોકકલાકારો પ્રયાસ કરી રહ્યા છે. કોવિડ વિજય રથ અદમ્ય ઉત્સાહ સાથે અગ્રેસર છે. આવતીકાલે પણ તમામ નિયમોના પાલન સાથે આગળ કૂચ ચાલુ રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.