Western Times News

Gujarati News

કલેકટરે અંબાજી મુકામે યાત્રાળુઓ માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી સફાઇ કર્મીઓને મીઠાઇનું વિતરણ કર્યુ

(માહિતી બ્યુરો, પાલનપુર)  દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ દર વર્ષે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના શરણે વંદન કરી ધન્યતા અનુભવે છે. આજે આસો વદ તેરસને શુક્રવાર (ધન તેરસ)ના પવિત્ર દિને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અંબાજી મુકામે યાત્રાળુઓ માટે કરવામાં આવેલ વ્યવસ્થાનું રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. યાત્રાધામ અંબાજીમાં  સ્વચ્છતાની કામગીરી કરતા સફાઈ કર્મીઓ સાથે કલેકટરશ્રીએ સંવાદ કરી સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવીને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

કલેકટરશ્રી આંનદ પટેલની પ્રેરણાથી દાતાશ્રી મૌલિકભાઈ ઠક્કર અને તેમના પરિવાર દ્વારા પ૦૦ નંગ જેટલી કીટ સફાઈ કર્મીઓને તથા જરૂરીયાતમંદ લોકોને ભેટ આપવામાં આવી હતી. આ કીટમાં દિવાળી નિમિત્તે મીઠાઈ તેમજ ફટાકડા આપવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી સુધેન્દ્રસિંહ જે. ચાવડાએ પણ પ્રેરક ઉદબોધન કરી સર્વે કર્મયોગીઓને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જગદજનની માં અંબાના દર્શનાર્થે આવનાર યાત્રાળુઓ માટે સરકારશ્રીની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ દર્શન વ્યવસ્થા, પ્રસાદ, ભોજન વગેરે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. યાત્રાળુઓ માટે દિવાળીબા ગુરૂભવન, જૂની કોલેજ કોટેજ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

શક્તિપીઠ અંબાજી એ લાખો માઈભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. સરકારશ્રી, જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી યાત્રાળુઓને ઉત્તમ સુવિધાઓ આપવા કટિબદ્ધ છે. હાલમાં સમગ્ર વિશ્વ કોરોનાના સંકટમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે માં અંબા સર્વેનું રક્ષણ કરે અને આવનાર વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ યુક્ત બને તેવી માતાજીને હદયપૂર્વક પ્રાર્થના કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.