કલેકટર તો માત્ર સહીઓ કરે છે પાસાના આદેશ હેડ કોન્સ્ટેબલ કરે છેઃ હાઈકોર્ટ

File
અમદાવાદ, નાગરીકોને બંધારણે આપેલા સ્વતંત્રતાના અધિકાર પર તરાપ મારતા પાસાના બિનઅધિકૃત રીતે થતાં આદેશો પ્રત્યે હાઈકોર્ટે નારાજગી વ્યકત કરી હતી. અને એક સાથે પાસા કરવાના અથવા તો પાસાના પ્રસ્થાપિત હોય એવા વિવિધ જીલ્લાના ૧પ આદેશ હાઈકોર્ટે રદ કર્યા હતા.
હાઈકોર્ટના જસ્ટીસ પરેશ ઉપાધ્યાયે આદેશમાં નોધ્યું હતું કે, સરકારી અધિકારીઓ આવા મનસ્વી અને બિનઅધિકૃત આદેશો કરી નાગરીકોને સ્વતંત્રતા પર તરાપ મારી શકે નહી. આવા આદેશો ભુલ કરનારા અધિકારીઓ સામે રાજય સરકારનું ગૃહવિભાગ પગલાં લે.
ગીર-સોમનાથ જીલ્લાની બે પીટીશનમાં પાસાના આદેશો રદ કરતાં જસ્ટીસ પરેશ ઉપાધ્યાયે નોધ્યું હતું કે પ્રસ્તુત કેસમાં બુટલેગર વિરૂધ્ધ એક ફરીયાદના આધારે પાસા કરવામાં આવી હતી. આ આરોપીના કેસમાં વર્ષ ર૦૧૯માં થયેલી પાસાને રદ કરવામાં આવી હતી, જે અંગે પુછતાં હવે ઓથોરીટીએ વર્ષ ર૦૧૮ના ગુના માટે ધરપકડ કરી હોવાનું કહયું હતું. ત્યારે કોર્ટે એવો પ્રશ્ન કર્યો હતો કે ર૦૧૮ની ફરીયાદમાં ર૦ર૧માં પાસા કઈ રીતે કરી શકાય ?
પરંતુ એનો કોઈ જવાબ મળ્યો નહોતો. જયારે એડી. ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ ગીરસોમનાથ કે જેડીટેઈનગ ઓથોરીટી નથી તેમના તરફથી જવાબ રજુ કરવામાં આવ્યો હતો ક, પાસા કરવા માટેનો ફીટ કેસ હોવાથી પાસાના આદેશો કરવામાં આવ્યા હતા.’
હાઈકોર્ટે આ જવાબ રેકર્ડ પર લઈ કલેકટરની નીચેની ઓથોરીટી દ્વારા બેફામ આદેશો થતાં હોવાની ટીકા કરતાં ટકોર કરી હતી કે, આ જવાબથી સામે આવ્યું છે કે, કલેકટર તો ખાલી સહીઓ કરે છે અને એસડીએમને અને હેડ કોન્સ્ટેબલો જ પાસાના આદેશો કરે છે. આ સાથે હાઈકોર્ટે ૧પ કેસમાં પાસાના આદેશ રદ કર્યા હતા.