કલોલના દંતાલી ગામે એક્સ આર્મીમેનના ગોળીબારથી ૧૫ વર્ષના તરુણનું મોત
કલોલના દંતાલીની સીમમાં રસ્તા બાબતે બે જૂથ વચ્ચે મારામારી
કલોલ તાલુકાના દંતાલી ગામની સીમમાં ગ્રીનવૂડ ફાર્મના પ્લોટમાં આવવા-જવાના રસ્તા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી
ગાંધીનગર,કલોલ તાલુકાના દંતાલી ગામની સીમમાં ગ્રીનવૂડ ફાર્મના પ્લોટમાં આવવા-જવાના રસ્તા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. ઉશ્કેરાયેલા જમીનમાલિક એક્સ આર્મીમેન રમેશભાઈ રામજીભાઈ ભરવાડે લાઇસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. તેમાં રીન્કુ ભરવાડ (ઉં.૧૫)ને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આરોપી રમેશે આડેધડ ફાયરિંગ કરી પિતા અને બે ભાઇ સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટનાથી ગામમાં ફફડાટ ફેલાયો હતો.
પોલીસે રિવોલ્વર સાથે આરોપી રમેશ ભરવાડની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વિપુલ ગોપાળભાઇ ગરિયા-ભરવાડ (રહે-ગ્રીનવૂડ ફેજ-૩, દંતાલી)એ સાંતેજ પોલીસ મથકમાં રમેશભાઇ રામસિંગભાઇ ભરવાડ અને પુનાભાઇ રામસિંગભાઇ ભરવાડ (રહે-હેબતપુર, તાલુકો દસ્ક્રોઇ, જિ-અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી છે. ફાયરિંગમાં ગોપાલભાઈ ભરવાડ અને તેમના બે દીકરા વિજય અને વિપુલને ગોળીઓ વાગતા ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. વિપુલભાઇના મામાના દીકરા રિંકુને પણ ગોળી વાગતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
બનાવ અંગે કલોલ ડીવાયએસપી પ્રવીણ મણવરે જણાવ્યુ કે દંતાલી ગામની સીમમાં ગ્રીનવૂડ રેસીડન્સી નામની સ્કીમ છે. તેમાં એક પ્લોટમાં આવવા જવા માટેના રસ્તા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. એક્સ આર્મીમેન રમેશ ભરવાડ અને પુના ભરવાડ નામના બે આરોપી ધોકા લઈ ગ્રીનવૂડમાં ધસી આવ્યા હતા અને વિપુલભાઇના પરિવાર ઉપર તૂટી પડ્યા હતાં. તે દરમિયાન એક્સ આર્મીમેન રમેશ ભરવાડે લાઇસન્સવાળી ગનથી આડેધડ ફાયરિંગ કર્યા હતાં.
તેમાં ફરિયાદી વિપુલના મામાના ૧૫ વર્ષના દીકરા રિન્કુ, તેમના પિતા ગોપાલભાઈ ભરવાડ અને ફરિયાદીના બે ભાઇ વિજય અને વિપુલ સહિત ૪ વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. તે તમામને અમદાવાદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તે પૈકી રિંકુ ભરવાડનું મોત થયુ હતું. પોલીસે આરોપી એક્સ આર્મીમેન રમેશ ભરવાડની ધરપકડ કરી તેની પાસેથી રિવોલ્વોર અને ગાડી જપ્ત કરી તપાસ હાથ ધરી છે. રમેશનો ભાઇ પુના ભરવાડ ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી છે.ss1