કલોલના મામલતદાર ૨.૬૦ લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ, કલોલ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારથી ખદબતી હોવાની ઘણી વખત ફરિયાદો ઉઠી છે. ત્યારે હવે એસીબીની ટ્રેપમાં કલોલના મામલતદાર મયંક પટેલ, નાયબ મામલતદાર પ્રવિણ પરમાર અને કોમ્પ્યુટર ઓપરેટર નિખિલ પાટીલ રૂ. ૨.૬૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
બનાવની વિગત મુજબ, ફરિયાદના શેઠે મુલસણા ગામની બિનખેતી જમીનની ટ્રસ્ટમાં વેચાણની ૨૩ એન્ટ્રી કરાવવા માટે અરજી કરી હતી. જે માટે મામલદાર દ્વારા એન્ટ્રી દીઢ રૂ. ૧૨,૦૦૦ લેખે કુલ રુ. ૨.૭૬ લાખની માગણી કરી હોવાનો આરોપ લગાવાયો છે. આરોપ મુજબ, રકઝકના અંતે ૨.૫૦ લાખ રૂપિયા અને ઈ-ધરામાં ૧૦ હજાર રૂપિયા, એમ કુલ ૨.૬૦ લાખ રૂપિયા આપવાની માગણી કરવામાં આવી હતી.
જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ સોમવારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. મામલતદારે લાંચના રૂપિયા નાયબ મામલતદારને આપવા કહ્યું હતું. જેથી ફરિયાદી નાયબ મામલતદારને મળ્યા હતા. તેમણે ઈ-ધરા શાખાના કોમ્પ્યુટર ઓપરેટર નિખલ પાટીલને બોલાવી રૂ. ૨.૬૦ લાખ લઈ લેવા કહ્યું હતું. કોમ્યુટર ઓપરેટરે આ રૂપિયા સ્વીકાર્યા એ સાથે જ એસીબીએ દરોડો પાડ્યો હતો.