કલોલમાંથી ૮૦૦ વર્ષ જૂની ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા હાજીપુર નામના ગામમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી છે. ગામમાં ચોમાસા પહેલા તળાવને ઊંડું કરવા માટે કરાતા ખોદકામ દરમિયાન અંદાજે ૮૦૦થી પણ વધુ વર્ષ જૂની વિષ્ણુ ભગવાનની દુર્લભ મૂર્તિ મળી આવી હતી. આ મામલે ગાંધીનગર જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગના નાયબ અધિકારી કે.કે વ્યાસે જણાવ્યું કે, ૧૦ સપ્ટેમ્બરના રોજ હું તપાસ માટે સ્થળ પર ગયો હતો. ત્યારે ખૂબ જ પ્રાચીન મંદિર નિર્માણના પથ્થરો તેમજ ઈંટોના અવશેષો જોવા મળ્યા હતા. સરકારી અધિકારીઓને ત્યાં જોઈને ગામના લોકો પણ દોડી આવ્યા હતા.
ગામ લોકોના કહેવા મુજબ, મુગલ કાળ દરમિયાન અહીં ભગવાન વિષ્ણુનું મંદિર અને ખજાનો હતો. તેને લૂંટવા માટે મુગલો અહીં આવ્યા હતા. જોકે ભગવાનના ચમત્કારથી ખજાનો મુગલોના હાથમાં ન આવ્યો અને તેમણે આખું મંદિર જ તોડી નાખ્યું હતું. તો બીજી તરફ રેલવેના કામ માટે સરકારને રોયલ્ટી ચૂકવીને ખનન કાર્ય કરનારી એજન્સીના એન્જિનિયરે જણાવ્યું હતું કે, જ્યારે અમે અહીં ખોદકામ કરીને તળાવને ઊંડું કરી રહ્યા હતા ત્યારે ગામના લોકો ટોળું વળીને કામગીરી પર સતત નજર રાખતા હતા. તેમને પૂછવા પર જણાવ્યું કે, આ તળાવની નીચે અમૂલ્ય ખજાનો દટાયેલો છે, તે મળે છે કે નહીં?
તે જોવા માટે અમે એકઠા થઈએ છીએ. હાલમાં ભગવાન વિષ્ણુની મળેલી દુર્લભ મૂર્તિને સલામત અંતર મૂકવામાં આવી છે અને તળાવને વધારે ઊંડું કરવાની સૂચના આપવામાં આવી છે. ખાણ ખનિજ વિભાગના કે.કે વ્યાસે જણાવ્યું કે, મારા અભ્યાસ મુજબ આ મૂર્તિ અંદાજે ૮૦૦થી ૧૦૦૦ વર્ષ જૂની હોવાનું અનુમાન છે. પુરાતત્વ વિભાગને સાથે રાખીને સંશોધન કાર્ય હાથ ધરવામાં આવે તો ઈતિહાસના ઘણા મહત્વપૂર્ણ તથ્યો બહાર આવી શકે છે.