કલોલમાં પોસ્ટ ઓફિસ ચાલુ-બંધ કરવાનો કોઈ સમય નક્કી નથી
કલોલ શહેરના પૂર્વ વિસ્તારની પોસ્ટ ઓફિસ શોભાના ગાંઠિયા સમાન બની -સેવિંગ એકાઉન્ટ ધરાવનારા લોકો પરેશાન
ગાંધીનગર, કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. પોસ્ટ ઓફિસ ક્યારે ચાલુ કરવાનો અને ક્યારે બંધ કરવાનો કોઈ સમય નકકી નથી.
ખાનગી પેઢીની જેમ ગમે ત્યારે ખુલે અને ગમે ત્યારે બંધ કરવામાં આવતી હોવાથી સેવિંગ એકાઉન્ટ ધરાવનારા લોકો પરેશાન થઈ ગયા છે. ફિકસ ડિપોઝિટ મુકનારા સિનિયર સિટીઝન્સની હાલત કફોડી બની છે. આ અંગે ગુજરાત પોસ્ટ માસ્તર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
કલોલના પૂર્વ વિસ્તારમાં શ્રેયસ સોસાયટી એરિયા પોસ્ટ ઓફિસ અવારનવાર બંધ રહેતી હોવાની ફરિયાદ ઘણાં સમયથી ઉઠી છે. કામકાજ અર્થે આવતા સ્થાનિક રહીશો અને સેવિંગ ખાતા ધારકો ધક્કા ખાઈ રહ્યા છે.
આ ઉપરાંત કે કોઈ એકાદ કર્મચારી રજા ઉપર હોય તો તેની બદલીમાં બીજા કર્મચારી ફરજ ઉપર આવતા નથી તેમજ કામનું ભારણ વધી જાય તો નેટ અને સર્વર બંધ હોવાનું બહાનું બતાવી અરજદારોને ધક્કા ખવડાવવામાં આવે છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા ભરવામાં આવતા નથી.
આ પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ધરાવનારા, એફડી ધારકો અને રજીસ્ટર્ડ એડી સહિતના કામ માટે આવતા અરજદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.આવી અનેક ફરિયાદો અને પારાવાર મુશ્કેલીના કારણે પોસ્ટના ગ્રાહકો સેવિંગ એકાઉન્ટ બંધ કરાવવાની ફરજ પડી છે
પરંતુ એકાઉન્ટ બંધ કરાવવા જતા ગ્રાહકો સાથે સ્ટાફના કેટલાક કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા ન હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. આ સંજોગોમાં હવે લોકો પોસ્ટ ઉપર ભરોસો મુકતા નથી અને ખાનગી કુરિયર કંપનીઓ સાથે ટપાલનો વ્યવહાર વધારી રહ્યાં છે.