Western Times News

Gujarati News

કલોલમાં બંધ પડેલા જર્જરિત થિયેટરની દીવાલ તૂટી પડતાં નાસભાગ મચી

પ્રજાપતિ વાસના રહીશોની અનેક રજૂઆત છતાં તંત્ર ઊંઘતું રહ્યું

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ટાવર નજીક બંધ પડેલા જર્જરીત થિયેટરની દીવાલ સાંજના સુમારે અચાનક તૂટી પડતાં નાસભાગ મચી ગઈ હતી અને થિયેટરના પાછળના ભાગે આવેલા પ્રજાપતિ વાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે કોઈ જાનહાનિ નહી થતાં સ્થાનિક રહીશો અને તંત્રએ રાહત અનુભવી હતી.

કલોલ શહેરના વર્ષો જુના વિષ્ણુ થિયેટરની હાલત અત્યંત ખંડેર અવસ્થામાં છે. વર્ષોથી બંધ પડેલા આ થિયેટરની સીડી સહિત થિયેટરનું બાંધકામ ઘણા વર્ષો જુનું હોવાને કારણે પાછળની દીવાલનો એક ભાગ તૂટી પડયો હતો. જોકે થિયેટરના પાછળના ભાગે આવેલા પ્રજાપતિવાસના રહીશો બચી ગયા હતા.

થિયેટરનું મકાન અત્યંત જર્જરીત થઈ ગયુ હોવાથી ગમે ત્યારે તૂટી પડશે તેવી દહેશત પ્રવર્તતી હોવાથી પ્રજાપતિ વાસના રહીશો દ્વારા જોખમી દીવાલો ઉતારી લેવા માટે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.

તેમ છતાં માલિકો દ્વારા તકેદારીના કોઈ પગલા ભરવામાં આવ્યા ન હતાં અને નગરપાલિકા તંત્ર પણ કોઈ કાર્યવાહી હાથ ધરતુ ન હતું આવી બેદરકારી વચ્ચે દિવાલનો ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટના બની ત્યારે મોટા ધડાકા સાથે ધૂળની ડમરીઓ ઉડતા પ્રજાપતિ વાસના રહીશો ફફડી ઉઠયા હતાં.

ખંડેર થિયેટરની દિવાલની દીવાલ અને જાળી તૂટી પડી હતી તેની બે મિનીટ પહેલા જ એક બાળક ઘટનાસ્થળ પરથી પસાર થયો હતો. જેનો આબાદ બચાવ થયો હતો. થિયેટરનો પાછળના ભાગની શેરીએ પ્રજાપતિ વાસમાં રહેતા લોકોનો આવવા જવાનો મુખ્ય રસ્તો હોવાના કારણે સતત લોકોની અવર જવર હોવાથી તેમના માથે મોતનું જોખમ સેવાઈ રહ્યું છે.

પ્રજાપતિવાસના રહીશો દ્વારા તૂટી પડેલી દિવાલનો કાટમાળ અને હજુ તુટી પડે તેવી જોખમી દિવાલો તાકિદે ઉતારી લેવા માટે પાલિકા તંત્ર અને થિયેટરના માલિકો સમક્ષ મૌખિક અને લેખિક રજૂઆત કરી છે. જો આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો કાયદેસર કાર્યવાહી કરવા ચીમકી આપવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.