કલોલ: ધડાકાભેર બ્લાસ્ટ થતા બે મકાન ધરાશાયી થયા

ગાંધીનગર: કલોલમાં આવેલી પંચવટી સોસાયટીમાં ભેદી બ્લાસ્ટ થયો છે. જેના કારણે આ સોસાયટીમાં આવેલા બે મકાનો ધરાશાયી થયા છે. આ મકાનો ધરાશાયી થતા દટાવવાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી તથા વધુ તપાસ કરી રહી છે.
મકાન ધરાશાયી થતા કાટમાળમાં અન્ય કોઇ લોકો દટાયા છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ કલોલ નગરપાલિકા, કલોલ તાલુકા અને સિટી પોલીસ સહિત મામલતદાર પ્રાંત સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. લોકોના ટોળે ટોળા ઘટનાને જાેવા એકઠા થયા હતા.
આ દૂર્ઘટનાના પ્રાથમિક તબક્કે મળતી માહિતી પ્રમાણે, ગેસ સિસિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આ હોનારત સર્જાયાનું માનવામાં આવી રહ્યું છે. જાેકે., સત્તાવાર રીતે આ અંગે કોઇ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. મોટા ધડાકો થતા આસપાસના ૪ કિમી વિસ્તારમાં રહેતા રહીશો ઘરની બહાર નીકળી ગયા હતા. આ ધડાકાને કારણે બે ધરાસાયી મકાનની આસપાસના મકાનોના બારીનાં કાંચ પણ તૂટી ગયા છે.