કલોલ-મહેસાણા રેલ્વે સેક્શન અને સાબરમતી ડીઝલ શેડનું નિરીક્ષણ કરાયું
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી એકે ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનના કલોલ – મહેસાણા રેલ્વે સેક્શનનું ગેજ રૂપાંતર કાર્ય અને સાબરમતી ડીઝલ લોકો કેર સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરાથી અમદાવાદ પહોંચેલા શ્રી ગુપ્તાએ હાલમાં કલોલથી મહેસાણા વચ્ચે મીટરગેજ માંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટનુંબારિક નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા કરી હતી.
સાબરમતી ડીઝલ શેડમાં તેમણે નિરીક્ષણ દરમિયાન ડીઝલ એન્જિન માટે નવનિર્મિત વોશહાઉસનો પણ શુભારંભ કર્યો હતો. આ માટે અલગથી ડીઝલ એન્જિન ની સફાઈ માટે એક અલગ શેડ બનાવવામાં આવ્યું છે. જ્યાંસાફ સફાઇ અને રેતી ભરવા તેમજ નાના મોટા સમારકામ કરી શકાશે. તેમણે શેડના સ્ટાફ અને સુપરવાઇઝર્સ સાથે વિચારવિમર્શ કર્યો અને તેમના સારા કામ માટે 50000 રૂપિયાનું રોકડ ઇનામ પણ આપ્યું.તેમણે શેડમાં સ્ટાફ દ્વારા વિકસિત બાગ બગીચામાં એક વૃક્ષ પણ રોપ્યું હતું.
ડિવિઝનલ કચેરીમાં શ્રી ગુપ્તા તથા ડી.એફ.સી., આર.વી.એન.એલ., નિર્માણ સંગઠન અને હાઇસ્પીડ કોર્પોરેશનના સિનિ. અધિકારીઓ સાથે ગુજરાતમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી અને તે પ્રગતિ વિશે માહિતી મેળવી હતી. મીટીંગમાં તેમની સાથે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દીપક કુમાર ઝા આરવીએનએલના સીજીએમ શ્રી પ્રવીણકુમાર, ડી.એફ.સી.નાશ્રી સંજય ગુપ્તા, કન્સ્ટ્રક્શનના સીપીએમ શ્રી નરેન્દ્ર ચુંબર અને હાઇસ્પીડ કોર્પોરેશનના સીપીએમ શ્રી નીરજકુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.