કલ્પનામાં રાચો પરંતુ વાસ્તવિકતાને પણ સ્વીકારો
ભગવાને માનવ અવતારનું સર્જન કરીને વિચાર શક્તિરૂપી ઈંધણ પૂરીને તેને કલ્પનાશીલ બનાવી દીધો છે. માનવીમાં વિચારવાની શક્તિ હોવાથી તે કલ્પનામાં રાચતો થઈ ગયો. અમુક માનવી વાસ્તવિકતામાં દુઃખી હોવા છતાં કલ્પનામાં વિહરતા પોતાનું દુઃખ ભૂલીને અલ્પ સમય માટે સુખ મેળવીને આનંદ માણતો હોય છે. કલ્પના કરતા કરતા માનવી યોજના બનાવે અને તે ફળિભૂત કરવા યર્થાથ મહેનત કરીને વાસ્તવિકમાં પોતાના વ્યક્તિત્વના વિકાસનો રાહ ખોલી શકે છે પરંતુ કલ્પનામાં જ જાે રાચતો રહેશે તો સ્વપ્ન સુધી જ મર્યાદિત સુખ મેળવે છે અને પોતે જ પોતાનો વિકાસ રૂંધી નાંખતો હોય છે. માનવી જ્યારે દુઃખી હોય છે ત્યારે કદાચ કોઈપણ દવા કે દુઆ કામ ન પણ લાગે ત્યારે કલ્પનાશક્તિરૂપી રામબાણ ઈલાજ બનીને માનવીમાં સુખમાં રાચતો કરે છે.
‘કલ્પનામાં રાચો…ના નહિ, વાસ્તવિકતાને રાખો ધ્યાન મહિ. કલ્પના તો ભવિષ્યને વિચારે, વાસ્તવિકતા તો વર્તમાન આચરે, કલ્પના નહિ મળે માનસિક આનંદ, વાસ્તવિકતા સ્વીકારી બની પ્રગતિશીલ.’ વાસ્તવિકતા એટલે જે હકીકત છે તથા જે સંજાેગ પ્રવર્તે છે તેનો સ્વીકાર કરવો જાેઈએ. કલ્પના એટલે મનમાં ને મનમાં ખ્યાલોમાં રાચવું તથા સપના જાેવા. વાસ્તવિકતા તથા કલ્પનામાં આસમાન જમીન જેટલો ફરક છે. તે બંનેનાં છેડા કદિ ભેગા થઈ શકતા નથી. વાસ્તવિકતા વર્તમાન કાળમાં રહેલી છે જ્યારે કલ્પના ભવિષ્યકાળમાં સમાયેલી છે.
કોઈપણ માનવીને મન હોવાથી કલ્પનાશક્તિ હોય જ તથા કલ્પના કરવી તે ખોટું તો નથી જ. ફક્ત કલ્પના કરી તેમાં રાચવું અને મનમાંને મનમાં કાલ્પનિક આનંદ મેળવવો તે નરી મૂર્ખામી જ કહેવાય. પરંતુ કલ્પના કરી યોજના બનાવી શકાય અને તે યોજના સફળ બનાવવા ગણતરી કરવી પડે તથા સાથે પૂરેપૂરો પુરુષાર્થ પણ કરવો પડે તો કલ્પનાને પણ વાસ્તવિકરૂપ આપી શકાય છે.
મધ્યમ વર્ગનો મારો એક મિત્ર મનમાંને મનમાં કલ્પનામાં જ વિહરતો રહેતો હતો તથા સ્વપ્નમાં રાચતો રહેતો. પૈસાદાર તથા શ્રીમંત બનવાના વિચારો કરીને માનસિક આનંદ મેળવીને મશગૂલ રહેતો તથા પોતાના વિચારો બધાને કહેતો ફરતો. પરંતુ એની હોશિયારી કે કાબેલિયત અથવા એવી હિંમત પણ ન હતી કે તે આ બધી કલ્પના વાસ્તવિકતામાં ફેરવી શકે કારણ કે તે પુરુષાર્થ જ નહોતો કરતો. આખરે વર્ષાે વિતતા મનમાં વિચારેલું સ્વપ્ન તૂટતું લાગ્યું ત્યારે તે એ હતો ન હતો બની ગયો અને નિષ્ફળતા સહન કરવાની તેનામાં ત્રેવડ પણ ન હોવાથી ખોટા ભ્રમમાં રહીને તે દુઃખી દુઃખી બની ગયો. ભ્રમમાં રહેવું તે માનવી માટે યોગ્ય નથી.
એવી ઘણી વ્યક્તિઓ છે કે જેઓમાં વાસ્તવિકતા સ્વીકારવાની તાકાત જ હોતી નથી અને ઘણી વખત તેઓ ખોટા પડતા પણ મિયા પડે તો પણ તંગડી ઊંચી રાખે તેમ જીતવાનો દેખાવ કરતા હોય છે. આ કંઈ જ નથી પરંતુ નર્યાે દંભ જ છે. આમ કરીને તેઓ પોતાના પગ પર જ કુહાડી મારતા હોય છે. વાસ્તવિકતા સ્વીકારતા નિરાશારૂપી ખીણમાં પડી જવાનો વારો જ આવતો નથી.
ઘણી વ્યક્તિઓને ખ્વાબમાં જીવવાની ટેવ પડી હોય છે તેઓ એમ જ માની લે છે આમ થશે પરંતુ ઘણીવખત હકીકત જુદી જ નિર્માણ થઈ હોય છે. કલ્પનાને વ્યક્તિ વિકાસમાં ફેરવવા માટે હોશિયારી, પુરુષાર્થ તથા પ્રયત્ન કરવો પડે છે તથા સાથે સાથે માનવીને તેના નસીબની પણ બલિહારી હોવી જાેઈએ. આનું એક સરસ ઉદાહરણ છે ધીરૂભાઈ અંબાણી. બહુમતિ લોકો પોતાના માટે વધારે પડતું વિચારતા હોય છે. માનવીએ જે શક્ય છે તેનો જ વિચાર કરવો જાેઈએને પોતાના વિશે વધારે પડતો ઊંચો અભિપ્રાય બાંધવો ન જાેઈએ. નહિંતર એ પોતે નિષ્ફળ જ જશે. વાસ્તવિકતાનો ખ્યાલ રાખવાથી અવશ્ય સફળતા મળશે જ. કારણ કે તે વ્યક્તિ પોતાની હેસિયત જેટલું જ વિચારતો હોય છે તથા કામ કરતો હોય છે કે પોતાની મર્યાદામાં રહેતો હોય છે.
વ્યક્તિ વાસ્તવિકતાને ઓળખી ચાલતી હોત તો તે સમજી વિચારીને આગળ પગલું ભરત અને સફળતાની માળા તેના ગળામાં આવી જાત. અમુક વ્યક્તિઓ માત્ર કલ્પનામાં જ વિહાર કરતા જીવતા હોય છે. તેઓને વધારે પડતો આત્મવિશ્વાસ હોવાથી તેઓ માની લેતાં હોય છે કે આમ અવશ્ય બનશે જ પરંતુ હકીકતમાં તેવું ન બનતા સપના તૂટી જતા નિષ્ફળતા મળતા જે સહન ન થતાં મનથી હારી જાય છે.
વાસ્તવિકતા સ્વીકારીને જ ચાલવાની મઝા છે. કોઈપણ ચીજની ધારણા કરતાં પહેલાં ગણતરીની આવશ્યકતા છે. ગણતરીપૂર્વકનો પુરુષાર્થ ઘણું આપી જાય છે. પરંતુ આ વાસ્તવિકતાને વધારે સુધારવા માટે પહેલા કલ્પનાનો સહારો તો લેવો જ પડે છે. ફક્ત કલ્પનામાં રાચ્યા વગર તેને વ્યવહારિક બનાવવા પ્રયત્ન તથા પુરુષાર્થની પૂરેપૂરી જરૂરત છે. વાસ્તવિકતા તથા કલ્પના આમ જાેવા જઈએ તો એકબીજાનાં પૂરક ગણાય પણ ફક્ત કલ્પના કરવી તે વ્યર્થ છે તથા વ્યક્તિ વિકાસને મજબૂત બનાવવા કલ્પનાની જરૂરત રહે જ છે.