કલ્યાણી શાળામાં વિશ્વ મહીલા દિનની અનોખી ઉજવણી

(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) ‘વિશ્વ મહિલા દિવસ’ ની શાળામાં સૌ પ્રથમવાર વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષક રોહિતભાઈની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો દ્વારા બહેનો માટે સરપ્રાઈઝ ગિફ્ટ સ્વરૂપે યોજવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ભાઈઓ એ જ કર્યું હતું. જેમાં શ્લોક, પ્રાર્થના, ઝવેરચંદ મેઘાણીનું લોકગીત કસુંબીનો રંગ… વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રજૂ કર્યું હતું. શિક્ષક કૃણાલભાઈ તથા વિદ્યાર્થી જૈત્ર શિંદેએ આજના પ્રસંગ અનુરૂપ કાવ્ય પઠન કર્યું હતું.
ત્યારબાદ તમામ મહિલા શિક્ષિકા, સેવીકા બહેનનું ગુલાબનું ફૂલ તથા સ્વનિર્મિત ગ્રીટીંગસ કાર્ડ વડે સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની હેડ ગર્લ કુ. ક્રિષા લાડ તથા અન્ય વર્ગ પ્રતિનિધિ બહેનોનું વિદ્યાર્થી ભાઈઓએ પુષ્પ તથા કાર્ડથી અભિવાદન કર્યું હતું.
શાળાના ધો. ૯ નાં વિદ્યાર્થીઓ દ્વારા સરસ રંગોલી તૈયાર કરવામાં આવી હતી. શાળાના આચાર્ય સુનીલ સરે આજના પ્રસંગનું મહત્વ, મૂલ્ય શિક્ષણ, સ્ત્રી સન્માન અને તેમનું જીવનમાં યોગદાનને વર્ણવ્યું અને કહ્યું કે,” સ્ત્રીઓનો કોઈ દિવસ નથી હોતો,
પણ સ્ત્રી થકી જ દિવસ અને જીવનનો પ્રારંભ થાય છે”. તેમણે કેટલાક હાઈકુ રજૂ કર્યા હતા અને ભાઈઓના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો. શાળાના શિક્ષિકા બહેનોએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦-૨૨ વર્ષની નોકરીમાં આવું સુખદ આશ્ચર્ય પ્રથમવાર સાંપડ્યું. તેમણે શિક્ષક, વિદ્યાર્થી ભાઈઓ તથા આચાર્યનો આવી આશ્ચર્યજનક ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.