કળયુગના પુત્રએ પિતાને ગાળો બોલીને ઘરમાંથી કાઢી મુક્યા
દીકરો દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવ ધરાવતો હોવાથી તેને તે ખરાબ લત છોડવા માટે પિતા કહેતા હતા
અમદાવાદ: સમાજમાં માતા-પિતાને ભગવાનનો દરજ્જાે આપવામાં આવે છે. પરંતુ કેટલાક સંતાનો તેમના માતા-પિતાની સાથે દુર્વ્યવહાર કરતાં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં પિતાએ તેના પુત્ર સામે જ આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. પુત્ર અવારનવાર તેના પિતાને બીભત્સ ગાળો બોલી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતો હતો અને વૃદ્ધે કરેલા આક્ષેપ મુજબ તેમનો દીકરો દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવ ધરાવતો હોવાથી તેને તે ખરાબ લત છોડવા માટે કહેતા હતા. ત્યારે પણ તે દુર્વ્યવહાર કરતો હતો.
સમગ્ર બાબતને લઈને પિતાએ દીકરા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના ન્યુ રાણીપ રોડ ઉપર આવેલા શુકન સીટીમાં રહેતા દિનેશભાઇ પટેલ નિવૃત જીવન ગુજારે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેમાં વરુણ નામનો દીકરો છેલ્લા છ મહિનાથી દિનેશભાઈ ને ખૂબ જ હેરાન પરેશાન કરી ગંદી ગાળો બોલી મારવાની ધમકી આપીને સારી રીતે રહેવા ન દેતો હોવાનો દિનેશભાઇએ આક્ષેપ કર્યો છે. દિનેશભાઈ અવારનવાર તેમની દિકરીઓના ઘરે રહે છે. દિનેશભાઈની પત્ની તેમની નાની દીકરી સાથે મુંબઇ ખાતે રહે છે. દિનેશભાઇએ પોલીસ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, તેમનો દીકરો વરુણ દારૂ પીવાની ટેવવાળો તેમજ જુગાર રમવાની ટેવવાળો હોવાથી તેને દારૂ જુગારની લત છોડવા ઘણીવાર દિનેશભાઈએ સમજાવ્યું હતું. છતાં તે માનતો ન હતો
દિનેશભાઈને ગાળો બોલતો હતો. રવિવારના રોજ બપોરના દિનેશભાઇએ તેમનો દીકરો વરુણ બહાર ગયો હોવાથી તેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, ચા પીવી હોય તો હું ચા બનાવી રાખું, ત્યારે વરુણે જણાવ્યું કે, હું બહાર છું અને બાઈકની ચાવી ખોવાઇ ગઇ છે, તારું ડાચુ જાેઈને ગયો છું
એટલે ચાવી ખોવાઈ ગઈ છે. ફોન ઉપર દિનેશભાઈને તેમના પુત્ર વરૂણે આ પ્રકારે મનફાવે તેમ ગંદી ગાળો બોલી હતી અને ઘરે આવીને તારું મોઢું તોડી નાખીશ તેમ કહી તેઓનું અપમાન કર્યું હતું. જેથી દિનેશભાઇએ એમના સાઢુભાઈ તથા તેમના જમાઈને ફોન કરી ને બોલાવ્યા હતા.
ત્યારે તેઓની સામે પણ વરુણ તેના પિતાને ગાળો બોલી મારવાની ધમકી આપી ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી આપતા દિનેશભાઇએ પોલીસને જાણ કરી હતી. જેથી સાબરમતી પોલીસે આ અંગે વરૂણ નામના યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.