કશ્મીરી પંડિતોની વાપસી માટે વાતાવરણ ઠીક નથી: ફારુક અબ્દુલ્લા
શ્રીનગર, નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર દેશને ધર્મના આધારે વહેંચવાનો આરોપ લગાવ્યો છે. ફારુક અબ્દુલ્લાએ આ આરોપ એવા સમયે લગાવ્યો છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલમ ૩૭૦ હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે.
ફારુક અબ્દુલ્લાએ કાશ્મીરમાં તાજેતરના નાગરિકોની હત્યાઓ પર કહ્યું કે આ આતંકી હુમલાઓમાં માત્ર હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમો પણ માર્યા ગયા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કાશ્મીરી પંડિતોની વાપસી માટે ઘાટીમાં વાતાવરણ હજુ અનુકૂળ નથી.
ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, જ્યાં સુધી અહીં કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવામાં ન આવે ત્યાં સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ ન થઈ શકે. જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે જમ્મુ -કાશ્મીર પહોંચ્યા છે. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ અમિત શાહ પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યા છે.HS