કસરત અને ભક્તિ સંગીતના માધ્યમથી કોરોનાના દર્દીઓનનું મનોબળ વધારવા સરાહનીય પ્રયાસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Bhakti-2-1024x768.jpeg)
સિવિલ હોસ્પિટલનો ‘પોઝિટિવ’ દર્દીઓને ‘નેગેટિવ’ બનાવવા માટે ‘પોઝિટિવ’ પગલુ
‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે ’’ ગાંધીજીનું આ પ્રિય ભજન કે, ‘‘ રામના રમકડા રામે રમતા મુકયા રે’’ ભજન સાંભળીને કોનું મન પ્રફુલિત ના થાય ? કોરોના પોઝિટિવ દર્દીઓનું સંગીતના માધ્યમથી મનોબળ વધારવાનો જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો આ સ્તુત્ય પ્રયાસ છે. કોરોનાના ‘પોઝીટીવ’ દર્દીઓ ‘નેગેટીવ’ થાય માટેનો આ ‘પોઝીટીવ’ પ્રયાસ દર્દીઓ માટે ખુબ ઉપયોગે પુરવાર થશે…
વૈશ્વિક મહામારી કોરોનાને પરાસ્ત કરવા આરોગ્ય વિભાગ અને આરોગ્ય કર્મીઓ સંનિષ્ઠ પ્રયાસો કરે છે. એક ડોક્ટર માટે દર્દીઓનું જીવન બચાવવું એ જ હમેંશા પ્રાથમિકતા હોય છે. દર્દીનું જીવન બચાવવા યોગ્ય નિદાન-દવા-સારવારની સાથે સાથે દર્દીનું મનોબળ અને આત્મવિશ્વાસ વધારવો પણ એટલોજ જરૂરી છે. એક અર્થમાં તબીબોની એ મોટી ભૂમિકા પણ છે. આથી જ સિવીલ હોસ્પિટલ જૂનાગઢ દ્રવારા કોરોના પેશન્ટનું કસરત અને ભક્તિ સંગીતના માધ્યમથી મનોબળ વધારવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.
સિવીલ હોસ્પિટલમાં સવાર પડતા જ દર્દીઓની ચેતનામાં એક પ્રકારનો સંચાર થાય છે. સુર્યના સોનેરી કિરણોની સાથે સાથે જ ફીઝીયોથેરાપી વિભાગના હેડ ડો. દિશા ભટ્ટનું આગમન થાય છે. આવતાની સાથે જ તેઓ સૌને જયશ્રી કૃષ્ણ, ગુડમોર્નીંગ, સલામ સાથે દર્દીઓ સાથે સંવાદ સાધે છે.’અમે તમને સારૂ કરવા આવ્યા છીએ. એમાં હળવી કસરતો ખૂબ જરૂરી છે. માટે તમારો સહકાર જોઇએ છે…’ એમ કહીને દર્દીઓને કસરત જેવી પ્રવૃત્તિ તરફ વાળે છે.
ડો. દિશા દર્દીઓ સાથે અત્યંત લાગણીસભર ભાષામાં વાત કરતા કહે છે, ‘કોરોના પોઝિટિવ નથી, આપણે પોઝિટિવ રહેવાનું છે..’ હાથપગની હળવી કસરત સાથે ફેફસાની થોડી કસરત કરાવી દર્દીઓને હળવા ફૂલ બનાવી તેમના મનને પ્રસન્નચિત્ત રાખવાનો સરાહનીય પ્રયાસ પણ કરે છે. હળવી કસરતથી શરીરને ફાયદો થવા સાથે શ્વાસ લેવામાં સારૂ રહે છે. આ વાત હવે દર્દીઓ પણ સમજવા લાગ્યા છે.
ડો. દિશા સાથે ઇન્ટર્ન ડોક્ટરો પણ સેવાઓ આપી રહ્યા છે. મેડીકલ કોલેજના ડિન અને સિવિલ સર્જનના માર્ગદર્શન સાથે કોરોના પોઝિટિવ દર્દીઓ માટેનો સિવિલ હોસ્પિટલના પ્રયાસથી દર્દીઓ હળવાશ અનુભવવા સાથે જલ્દી સારા થશે. કોરોના મહામારીને ડોક્ટરોની સારવાર સાથે તમામ લોકોના મનોબળના સંયુક્ત સહકારથી જ પરાસ્ત કરી શકાશે.