કસાબને પકડનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરાયા
મુંબઈ પોલીસે 26/11 ના હુમલામાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પકડવા બદલ રાષ્ટ્રપતિ પદક સાથે સન્માનિત અધિકારી સંજય ગોવિલકરને સસ્પેન્ડ કરી દીધા છે. ગોવિલકર પોલીસની આર્થિક શાખામાં નોકરી કરતા હતા. શુક્રવારે આતંકવાદી દાઉદ ઇબ્રાહિમના સોહેલ ભામલાને હાથમાં આવેલો છતાં છોડી દેવામાં આવ્યો તે આરોપસર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ જ કેસમાં મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સિંગોટને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મોસ્ટ વોન્ટેડ સોહેલ મુંબઇ એરપોર્ટ પર દુબઈ પરત ફરતા પકડાયો હતો. બંને અધિકારીઓ દ્વારા સોહેલની પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સોહેલ નાસી છૂટયો હતો. પોલીસ કમિશનર સંજય બાર્વેના જણાવ્યા અનુસાર, બંને પોલીસ અધિકારીઓને કામમાં બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નકલી ચલણના ધંધામાં મુંબઈમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટે સોહેલને 2004 માં પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ જામીન પર છૂટયા બાદ સોહેલ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે તેની સામે લુક આઉટ નોટિસ ફટકારી હતી.