કસ્ટોડિયલ ડેથ માટે એરફોર્સના ૩ અધિકારીને આજીવન કેદ
અમદાવાદ, સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગુરુવારે ભારતીય વાયુસેનાના ત્રણ અધિકારીઓને ૨૭ વર્ષ પહેલાં રસોઈયાના કસ્ટોડિયલ ડેથ માટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે નિવૃત્ત ગ્રુપ કેપ્ટન અનૂપ સૂદ, નિવૃત્ત સાર્જન્ટ અનિલ કે. એન. અને સેવા આપતા સાર્જન્ટ મહેન્દ્ર સિંહ શેરાવતને આજીવન કેદની સજા ફટકારી છે.
આ ઘટના નવેમ્બર ૧૯૯૫ની છે જ્યારે રસોઈયા ગિરજા રાવત પર એરફોર્સના સીએસડીમેસમાંથી ૯૪ દારૂની બોટલો ચોરવાનો આરોપ હતો. આઈએએફ સત્તાવાળાઓએ આ ચોરી અંગે જામનગર શહેર પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ સાથે જ જામનગર એરફોર્સ સ્ટેશનના એર કોમોડોરે આ મામલે આંતરિક તપાસના આદેશ આપ્યા હતા. આ સંબંધમાં, ૧૨ આઈએએફઅધિકારીઓએ જામનગરમાં એરફોર્સ-૧ ના સિવિલિયન ક્વાર્ટર્સમાં રાવતના ઘરની તપાસ હાથ ધરી હતી અને તેની અટકાયત કરી હતી. તેને પૂછપરછ માટે મુખ્ય ગાર્ડ રૂમમાં લાવવામાં આવ્યો હતો.
બીજા દિવસે સવારે રાવતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના પોસ્ટમોર્ટમમાં મૃત્યુ આંતરિક અને બાહ્ય ઈજાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ રાવતની વિધવા શકુંતલા દેવીએ આઈએએફઅધિકારીઓ સામે સ્થાનિક પોલીસમાં FIR નોંધાવી, તેમના પતિની હત્યાનો આરોપ લગાવ્યો.
આ મામલે તપાસ શરું થઈ અને સાત અધિકારીઓ સામે હત્યા અને ગુનાહિત ષડયંત્ર સહિત અન્ય આરોપો માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવી. બાદમાં, વિધવાએ તપાસ કેન્દ્રીય એજન્સીને ટ્રાન્સફર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.