કાંકરિયામાં આજથી ફરી બોટિંગની મજા માણી શકાશે
યુનિ.તંત્ર દ્વારા ૨૨મી એપ્રિલે બોટીંગ બંધ કરાવ્યુ હતું
અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રએ તાબડતોબ નવા કરાર કરી પોલીસને મોકલી આપ્યો
અમદાવાદ,વડોદરાનાં હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને પગલે નાગરિકોની સુરક્ષાને લગતાં નિયમો સાથે નવા કરાર કરવાનાં હાઇકોર્ટનાં મૌખિક આદેશનુ આખરે મ્યુનિ. તંત્ર દ્વારા પાલન કરવામાં આવ્યુ છે અને કરાર શહેર પોલીસ કમિશનરને મોકલી આવતીકાલથી કાંકરીયા તળાવમાં બોટીંગ શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.
મ્યુનિ. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાનાં હરણી તળાવમાં બોટીંગનાં કોન્ટ્રાક્ટરની ગુનાહિત બેદરકારીથી વિદ્યાર્થીઓને જાનથી હાથ ધોવા પડ્યા તે ઘટનાને ગંભીરતાથી લઇ હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી રાજ્યનાં તમામ તળાવ-નદી વગેરે જગ્યાએ થતી બોટીંગની પ્રવૃત્તિમાં સુરક્ષાનાં નિયમો સુનિશ્ચિત કરી અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી નવા કરાર કરવા મૌખિક આદેશ આપ્યો હતો.
તેના પગલે રાજ્ય સરકારે શહેર પોલીસ કમિશનરને પત્ર પાઠવી બોટીંગનાં કોન્ટ્રાક્ટ આપનાર ઓથોરિટી પાસે નવા કરાર મંગાવી લેવા અને ત્યાં સુધી બોટીંગ બંધ કરાવવા સૂચના આપી હતી. પરંતુ મ્યુનિ.તંત્ર દ્વારા એક મહિના કરતાં વધુ સમય બાદ ૨૨મી એપ્રિલે બોટીંગ બંધ કરાવ્યુ હતુ અને મિડિયામાં અહેવાલો પ્રસિધ્ધ થયાં બાદ તાબડતોબ નવા કરાર કરી શહેર પોલીસ કમિશનર કચેરીને મોકલી આપ્યા હતા. નવા કરારમાં ઉતાવળ નહિ કરનારા મ્યુનિ. અધિકારીઓએ કાંકરીયામાં બોટીંગનાં કોન્ટ્રાક્ટરોનુ હિત સાચવતાં હોય તેમ આવતીકાલથી જ બોટીંગ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી દીધી છે.ss1