કાંકરિયા પેટ્રોલપંપની ટાંકીમાંથી કર્મચારીનો મૃતદેહ મળ્યો
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું કારણ જાણવા મળશે : શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહથી પોલીસ અધિકારીઓએ શરૂ કરેલી ઝીણવટભરી તપાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા જ પોલીસતંત્ર સજ્જ બની રહયું છે છેલ્લા કેટલાક દિવસોથી હત્યા, જૂથ અથડામણ અને હુમલા કરવાની ઘટનાઓ વચ્ચે શહેરના મણિનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં કાંકરિયા વાણિજય ભવન પાસે આવેલા પેટ્રોલપંપની અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી પંપના જ એક કર્મચારીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ભારે સનસનાટી મચી ગઈ છે.
આ ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.
મધ્યમ વર્ગના આ યુવાનને તમામ સાથે સારા સંબંધો હતા અને પેટ્રોલપંપમાં નાણાંકિય લેવડદેવડ પણ તે કરતો હતો છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા સંનિષ્ઠ અને પ્રમાણિક યુવકની લાશ મળવાની ઘટના અંગે પોલીસ અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી પેટ્રોલપંપના સીસીટીવી કુટેજ મંગાવ્યા છે જેના આધારે આગળની તપાસ થશે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રહે તે માટે પોલીસ અધિકારીઓ સતત સતર્ક બનેલા હોય છે અને શહેરમાં નાઈટ પેટ્રોલીંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં છેવાડાના વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાયું છે ખાસ કરીને હત્યા અને હુમલાની ઘટનામાં પોલીસ તાકિદે પગલાં ભરી રહી છે.
આ પરિસ્થિતિમાં મણીનગર વિસ્તારમાં ગઈકાલની ઘટનાથી પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા છે શહેરના જમાલપુર વિસ્તારમાં પીર બાબાની ચાલીમાં સીતારામ બાપાની મઢુલી નજીક રહેતા ઈમામખાન પઠાણ નામનો ૪પ વર્ષનો યુવાન છેલ્લા ઘણા વર્ષોથી કાંકરિયા વાણિજય ભવન પાસે આવેલા પેટ્રોલપંપમાં નોકરી કરતો હતો.
પેટ્રોલપંપમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ સાથે ઈમામખાનને સારો સંબંધ હતો આ ઉપરાંત અત્યંત વિનમ્ર અને પ્રમાણિક ઈમામખાનને કયારેય કોઈની સાથે બોલાચાલી થઈ ન હતી ઈમામખાને તાજેતરમાં જ તેના મકાનનું મરામતનું કામ કરાવ્યું છે અને થોડા મહિના પહેલા જ તેના પુત્રના લગ્ન કરાવ્યા હતા.
આમ પારિવારિક રીતે પણ તે સંપન્ન માણસ હતો તેની પ્રમાણિકતાના કારણે પેટ્રોલપંપમાં નાણાંની આપ લે પણ તે કરતો હતો અને બેંકમાં રૂપિયા જમા કરાવવા ઉપરાંત બેંકમાંથી રોકડ ઉપાડીને પેટ્રોલપંપ પર આવતો હતો તેનુ આ મુખ્ય કામ હતું.
ગઈકાલે મોડી સાંજે ઈમામખાન પઠાણ પેટ્રોલપંપ પર જાવા મળ્યો ન હતો આ દરમિયાનમાં પેટ્રોલપંપના પાછળના ભાગે આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી ઈમામ ખાનનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક પેટ્રોલપંપના સંચાલકોએ પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ઈમામખાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જાવાઈ રહી છે જાકે તે પહેલા શંકાસ્પદ હાલતમાં મળેલા ઈમામખાનના મૃતદેહ અંગે પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે અને પેટ્રોલપંપના તમામ સીસીટીવી કુટેજ મંગાવવામાં આવ્યા છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે જયારે મૃતક ઈમામખાનના પરિવારજનો શોકમગ્ન બની ગયા છે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.