કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે AMTSને નડ્યો અકસ્માત
અમદાવાદ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સંચાલીત એ. એમ.ટી.એસ. બસને મંગળવારે અકસ્માત નડયો છે. આ અંગેની વિગત એવી છે કે AMTS ની 151/3 હાટકેશ્વર – ગોધાવી ગામની બસને સામેથી ટુ વહીલર ચાલકને બચાવવાં જતા અકસ્માત થયો હતો અને બસ એક ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસ ડ્રાયવર સહિત એક વૃધ્ધ મહિલાને ઈજા પહોંચી છે.
જો કે ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને ટુ વ્હીલરના ચાલકને બચાવી લીધો હતો. શહેરમાં ગફલતભરી રીતે ચલાવતાં ટુ વ્હીલર અને રીક્ષાના ચાલકોને કારણે કેટલીક વખત પોતાની ભુલ ન હોવા છતાં પણ એ. એમ.ટી. એસ., બી. આર. ટી.એસ. કે એસ.ટી. ના ડ્રાયવર દંડાતા હોય છે.
એ. એમ.ટી.એસ.ની બસ નં. એ.આર.આર.28 જી.જે.01ડીવાય3086 ના ડ્રાયવર કમલભાઈ જાની હાટકેશ્વરથી ગોધાવી ગામની બસ નં. 151/3 લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન એક ટુ વ્હીલરના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવતાં બસના ડ્રાયવરે તેને બચાવવા જતાં બસ એક ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાયવર સહિત એક વૃધ્ધ મહિલાને ઈજા થતાં બંનેને 108 એમ્બ્યુલન્સ સેવા બોલાવીને એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડ્રાઈવરને પગમાં ઈજા થઈ છે જયારે મહિલાને માથાના ભાગમાં ઈજાઓ થઈ છે.