કાંકરિયા લેક ફ્રન્ટ ભ્રષ્ટાચારની ગંગોત્રી બન્યુ
ઝૂ સુપ્રિટેન્ડન્ટની વિવાદાસ્પદ કાર્યપધ્ધતિ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર૦૦૮માં ડેવલપ કરવામાં આવેલ કાંકરીયા ફ્રન્ટ ભ્રષ્ટાચારની ગંગોત્રી બની રહયા છે. મ્યુનિ. શાસકો અને ઉચ્ચ અધિકારીઓ કાંકરીયા ફ્રન્ટમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃતિઓ તરફ ધ્યાન આપતા નથી જેનો લાભ કાંકરીયા ફ્રન્ટનો ચાર્જ સંભાળતા ઝુ સુપ્રિ. ડો. શાહુ તથા ફ્રન્ટ મેનેજર લઈ રહયા છે. જલધારા વોટરપાર્કમાં પણ પરવાનગી વિના થતા ગરબા અને લગ્ન પ્રસંગ તેમજ બાલવાટીકા રાઈડ્સ દુર્ઘટનામાં ઝૂ સુપ્રિ. શંકાના દાયરામાં આવ્યા હતા તેવી જ રીતે આમ્રપાલી, તૃપ્તિ સહીતની કંપનીઓની મુદત વધારા માટે રજુ કરવામાં આવેલી દરખાસ્તો પણ ચર્ચાનો વિષય બની છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા કાંકરીયા લેક ફ્રન્ટ ખાતે ચાર અલગ અલગ કંપનીઓને એમયુઝમેન્ટ અને ફ્રુડ કોર્ટ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા જેમની મુદત એક વર્ષ અગાઉ પૂર્ણ થઈ ગયા બાદ આ ચાર કંપનીઓને વધુ ચાર વર્ષ માટે મુદત વધારી આપવા સ્ટેન્ડીગ કમીટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે જેમાં તુપ્તિ રિકવીએશન એન્ડ હોસ્પિટાલીટી, આમ્રપાલી ઈન્ડસ્ટ્રીઝ, સ્કાય વન્ડર પ્રા.લિ., ઈન્ડિયા બનજીનો સમાવેશ થાય છે.
આ કંપનીઓના પીપીપી ધોરણે ચાર વર્ષ માટે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હતા જેમાં તુપ્તિ રિકવીએશનનું ટેન્ડર ડીસેમ્બર-ર૦ર૦માં તેમજ આમ્રપાલીનું ટેન્ડર માર્ચ- ર૦ર૧માં પૂર્ણ થઈ ગયા હતાં તેમ છતાં સક્ષમ સત્તાની મંજુરી વગર આ સંસ્થાઓ કામ કરી રહી છે જે બાબતે શાસક પક્ષમાં જ વિવાદ ઉઠયો છે. મ્યુનિ. ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ ચાર સંસ્થાઓ પૈકી તુપ્તિ રિકવીએશન અને આમ્રપાલીની કામગીરી પણ વિવાદાસ્પદ રહી છે.
આમ્રપાલી ઈન્ડસ્ટ્રીઝનો બોટીગ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જેની ૧૦ કરતા વધુ નાની મોટી બોટ કાંકરીયા તળાવમાં ચાલે છે જેના માટે આરએન્ડબીનું લાયસન્સ ફરજીયાત છે પરંતુ આમ્રપાલી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આ લાયસન્સ લેવામાં આવ્યું નથી તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે કાંકરિયા વ્યાયામ વિદ્યાલયની સામે જ આમ્રપાલી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ટિકીટ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે જે વોક વે માં પણ નડતરરૂપ છે તેમ છતાં કાંકરિયા લેક ફ્રન્ટના અધિકારીઓ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જયારે તૃપ્તિ રિકવીએશન ગેમ ઝોન ચલાવે છે પાણીની બોટલ એમઆરપી કરતા વધુ ભાવથી વેચાણ કરી રહયા છે સમગ્ર કાંકરિયા ફ્રન્ટમાં રૂા.ર૦ના ભાવથી પાણીની બોટલ મળે છે જયારે તુપ્તિ ફ્રુડ કોર્ટમાં રૂા.૩૦ના ભાવથી પાણીની બોટલનું વેચાણ થઈ રહયું છે. તદ ઉપરાંત ગેમ ઝોન માટે ટોકન સીસ્ટમ ચાલી રહી છે.
મ્યુનિ. કોર્પો. અને કોન્ટ્રાકટર વચ્ચે શેરીંગ પધ્ધતિના એમઓયુ થયા છે તેથી ટોકન પધ્ધતિના કારણે કોન્ટ્રાકટરને કેટલી આવક થઈ તેનો હિસાબ કરવો મુશ્કેલ બની રહયો છે.
કાંકરિયા લેક ફ્રન્ટના અધિકારીઓ દ્વારા સદર દરખાસ્ત બારોબાર સ્ટેન્ડીગ કમિટિમાં રજુ થતાં રિક્રિએશન કમીટીના ચેરમેને નારાજગી વ્યકત કરી હતી તેમજ તે અંગે મેયર સ્ટેન્ડીગ ચેરમેન અને શહેર પ્રભારી સમક્ષ તેમની વેદના પણ ઠાલવી હતી.