કાંકરીયા ગામની ધર્માંતરણની ઘટનામાં કેન્દ્રીય તપાસ એજન્સી નિમવાની માંગણી
પોલીસની તપાસમાં ઢીલી નીતિ તેમજ ધર્માંતરણની ઘટનામાં આંતરરાષ્ટ્રીય જાેડાણ હોવાથી કેન્દ્રીય તપાસ એજન્સીની માંગ
(પ્રતિનિધિ) ભરૂચ, સમગ્ર ભારત દેશમાં ચર્ચિત બનેલા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામની ધર્માંતરણની ઘટનામાં પોલીસની ઢીલી નીતિ તેમજ રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય જાેડાણ હોવાથી આમોદના હિન્દૂ આગેવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કાંકરીયા ધર્માંતરણની ઘટનાની તપાસ કેન્દ્રિય એજન્સીને આપવા માંગ કરતાં ચકચાર મચી જવા પામી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં સો ટકા આદિવાસી વસ્તી ધરાવતું ગામ હતું પરંતુ કેટલાક કટ્ટરપંથી મુસ્લિમોએ આદિવાસી લોકોને લોભ,લાલચ તેમજ ધમકી આપી ૩૭ પરિવારના ૧૫૦ થી વધુ લોકોને મુસ્લિમ બનાવી દીધા હતાં.જે બાબતે આમોદ પોલીસ મથકે ૧૫ મી નવેમ્બરના રોજ નવ આરોપીઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી.
જેમાં આમોદ પોલીસે કાંકરીયા ગામના હિન્દૂ માંથી મુસ્લિમ બનેલા ચાર લોકોની ધરપકડ કરી તપાસ આરંભી હતી.જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતાં.જ્યારે પોલીસની ઢીલી નીતિને કારણે ૨૦ દિવસ થવા છતાં બીજા પાંચ મુખ્ય આરોપીઓ આછોદ ગામના ઈસ્માઈલ ડેલાવાલા મૌલવી,હસન ટીસલી,આમોદના બેકરીવાલા બંધુઓ સમદ બેકરીવાલા તેમજ શબ્બીર બેકરીવાલા અને ભરૂચના નબીપુરના હાલ રહે લંડન હાજી અબ્દુલ્લા ફેફડાવાલા હજુ પોલીસ પકડથી દૂર રહ્યાં છે.
જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.ત્યારે સમગ્ર ધર્માંતરણની ઘટનામાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય જાેડાણ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતાં મુદ્દાઓ પણ જાેડાયા હોય આમોદના હિન્દૂ આગેવાન મુકેશ જાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કેન્દ્રીય તપાસ એજન્સીની માંગણી હતી.