કાંકરીયા ફ્રન્ટમાં આકાર લઈ રહેલ વધુ એક કૌભાંડ
એગ્રીમેન્ટમાં શરત ન હોવા છતાં સ્કાય વન્ડર્સની મુદ્દત વધારવા સક્રિય વિચારણા
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, શહેરના ઐતિહાસિક કાંકરીયા તળાવ નવીનીકરણનો જેટલો લાભ નાગરીકોને મળ્યો છે તેના કરતા અનેકગમો વધુ ફાયદો કાંકરીયા ફ્રન્ટના અનેકગમો વધુ ફાયદો કાંકરીયા ફ્રન્ટના કોન્ટ્રાક્ટરોને થયો છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કાંકરીયા પરિસરમાં સહેલાણીઓના આનંદ-પ્રમોદ માટે વિવિધ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે. આ કંપનીઓના આર્થિક ફાયદા માટે ચાર માસ અગાઉ નિર્ણય કરવામાં આવ્યો હતો.
હવે કંપનીઓના લાઈસન્સ ફીની મુદ્દત પૂર્ણ થઈ હોવા છતાં વધુ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ રીન્યુ કરવા માટે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે અંગે આગામી ગુરૂવારે નિર્ણય લેવામાં આવશે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા પબ્લીક-પ્રાઈવેટ પાર્ટનરશીપથી કાંકરીયા ફ્રન્ટમાં ચાર કંપનીઓને એમ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ કોર્ટ વગેરે માટે વિનામૂલ્યે જગ્યા ફાળવવામાં આવી હતી. આ કંપનીઓની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ તેજ સ્થળે તેમના ધંધા કરી રહી છે. જ્યારે લાંબા સમય બાદ જાગૃત થયેલા કાંકરીયા ફ્રન્ટના અધિકારીઓએ ચાર પૈકી એક કંપની સ્કાય વન્ડર્સને વધુ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવા સ્ટેન્ડીંગ કમીટીને ભલામણ કરી છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ સ્કાય વન્ડર્સ કંપનીને ઓગસ્ટ-૨૦૧૨માં વિવિધ એક્ટીવીટી માટે જગ્યા ફાળવવા ઠરાવ કરવામાં આવ્યો હતો. તથા ઓક્ટો-૨૦૧૨માં તે અંગે લાઈસન્સ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. જેની મુદ્દત જૂન-૨૦૨૦માં પૂર્ણ થઈ હતી.
પરંતુ કાંકરીયા ફ્રન્ટના અધિકારીઓની રહેમનજર હોવાથી જુન-૨૦૨૦થી ડીસેમ્બર ૨૦૨૦ સુધી કોઈપણ પ્રકારની મંજૂરી વિના સ્કાય વન્ડર્સ પ્રા.લી.દ્વારા વિધિ એક્ટીવીટી ચાલુ રાખવામાં આવી હતી. ત્યારબાદ જાન્યુ ૨૦૨૦થી વધુ ૦૬ માસ માટે કમીશનર ઠરાવથી મંજૂરી આપવામાં આવી હતી.
તેમજ લોકડાઉનના ૮૯ દિવસની ગણતરી કરીને તેટલા દિવસની મુદ્દતમાં પણ વધારો કરી આપવામાં આવ્યો હતો. જ્યારે નવનિયુક્ત શાસકો દ્વારા વિવિધ એક્ટીવીટી અને રાઈડ્સના ભાવ પમ લગભગ બમણા કરી આપવામાં આવ્યાં છે. લોકડાઉનના ૮૯ દિવસની ગણતરી કર્યા બાદ સ્કાય વન્ડર્સ લીમીટેડની મુદ્દત ઓક્ટોબર-૨૦૨૧માં પૂર્ણ થઈ છે. તેમ છતાં વધુ એક વખત મંજૂરી વિના કંપની તેની પ્રવૃત્તિ કરી રહી છે.
સ્કાય વન્ડર્સ પ્રા.લી.દ્વારા મુદ્દત પૂર્ણ થયા બાદ એક સાથે દસ વર્ષ મુદ્દત લંબાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે. પરંતુ મ્યુનિ.કોર્પાેરેશન અને સંસ્થા વચ્ચે થયેલા લાઈસન્સ એગ્રીમેન્ટમાં મુદ્દત વધારવા અંગે કોઈ જ જાેગવાઈ રાખવામાં આવી નથી. તેથી તંત્ર દ્વારા સમયસર ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ કાંકરીયા ફ્રન્ટના અધિકારીઓએ એગ્રીમેન્ટમાં જાેગવાઈ ન હોવા છતાં સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ મુદ્દત વધારવા માટે દરખાસ્ત રજૂ કરી છે. હવે, જાેવાનું એ રહે છે કે કમીટી એગ્રીમેન્ટ ભંગ કરશે કે પછી જલધારાની માફક પ્રવૃત્તિ બંધ કરાવી ટેન્ડર પ્રક્રિયા કરાવશે ?