કાંકરીયા વિસ્તારમાં પિસ્તોલ બતાવી લુંટ કરવાનો પ્રયાસ: લુંટારૂ પકડાયો
ઓફીસ કર્મીએ હિંમતપૂર્વક સામનો કરતાં લુંટારૂ ઘવાયોઃ કાગડાપીઠ પોલીસે કાર્યવાહી શરૂ કરી
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં ક્રાઈમની સીઝન શરૂ થઈ હોય તેમ છેલ્લાં કેટલાંક દિવસોમાં બનેલી ઘટનાઓ પરથી પ્રતીત થઈ રહ્યું છે. જેને પગલે શહેરનું પોલીસ તંત્ર પણ સક્રિય અને દોડતું થયું છે.
આ પરિસ્થિતિમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવતાં કાંકરીયા વિસ્તારમાં શનિવારે સવારે એક શખ્સ નાણાંને લગતું કામ કરતી ઓફીસમાં પિસ્તોલ સાથે ધસી ગયો હતો. અને લુંટ કરવાની કોશીશ કરી હતી. પરંતુ ઓફીસ કર્મચારીએ હિંમતપૂર્વક સામનો કરતાં લુંટનો પ્રયાસ કરનાર લુંટારૂને ઝડપી લેવાયો છે.
આ ઘટનાની વિગત એવી છે કે ઈસનપુરમાં રહેતા આશીષભાઈ આચાર્ય કાંકરીયામાં ગોરધનવાડી ચાર રસ્તા પાસે આવેલાં ઊર્મિકુંજ કોમ્પ્લેક્ષમાં ઓફીસ ધરાવી એકાઉન્ટ, ડોક્યુમેન્ટ તથા કરન્સીને લગતું કામકાજ કરે છે. તેમનાં ત્યાં મૌલીકભાઈ ગોહેલ તથા અન્યો નોકરી કરે છે.
શનિવારે સવારે મૌલીકભાઈ રાબેતાં મુજબ ઓફીસ આવ્યાં હતા. જ્યાં સફાઈકામ ચાલુ હતું એ દરમિયાન સાડા દસ વાગ્યે એક આધેડ ઉંમરનો વ્યક્તિ આવ્યો હતો અને મૌલિકભાઈ સાથે કરન્સીની વાતો કરતો હતો. ચર્ચા દરમિયાન અચાનક જ તેણે પોતાની પિસ્તોલ કાઢી મૌલિકભાઈ સામે તાકી હતી. બાદમાં તિજાેરી તરફ લુંટ કરવાનાં ઈરાદે જતાં મૌલિકભાઈએ તેને પડકાર્યાે હતો. અને બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન લુંટારૂએ તેમનાં માથામાં પિસ્તોલનો બટ મારી ઈજા કરતાં જીવ બચાવવા મૌલિકભાઈ ઓફીસની બહાર ભાગ્યા હતા અને બુમાબુમ કરી હતી. તેમનો પીછો કરતાં લુંટારૂ પણ આવી પહોંચતાં તેમણે પથ્થરો મારતાં લુંટારૂને માથામાં વાગ્યા હતા.
દરમિયાન આસપાસનાં લોકો ભેગાં થઈ લુંટારૂને પકડી લીધો હતો. બાદમાં મૌલિકભાઈએ માલિક આશિષભાઈ અને પોલીસને જાણ કરતી હતી. પિસ્તોલ સાથે લુંટના પ્રયાસની વાત સાંભળતાં જ કાગડાપીઠ પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લુંટારૂની અટક કરીને તેનાં વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં પીઆઈ પાંડવે કહ્યું હતું કે ઘટના બાદ લુંટારૂને પકડી લેવાયો છે. અને ઈજા થતાં હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આશરે ૫૫ વર્ષીય લુંટારૂ ઉત્તર પ્રદેશનાં કાનપુરનો રહેવાસી અજયસિંહ અભયસિંહ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. તે બે દિવસથી અમદાવાદનાં દાણીલીમડા બેરલ માર્કેટ નજીક રહેતાં સગાંને ત્યાં રોકાયેલો હતો. હાલમાં તેનાં સગાને બોલાવી પૂછપરછ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લાં એક અઠવાડીયામાં ગંભીર ગુનાઓની હારમાળ સર્જાઈ છે. સારવાર પૂર્ણ થયા બાદ પોલીસ ૫૫ વર્ષીય લુંટારૂની પૂછપરછ હાથ ધરશે.