કાકાએ ભૂંડને મારવા છોડેલ ગોળી ભત્રીજાને વાગતા મોત
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં ઘૂસેલા ભૂંડને ભગાડવા માટે કૌટુંબિક કાકાએ છોડેલી ગોળી ભત્રીજાને વાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું. રાતના અંધારામાં અજાણતા આ ઘટના બની હતી. જુવાનજાેધ છોકરાના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. રાજ્યના દરેક વિસ્તારોમાં ખેડૂતો ભૂંડ અને નીલગાયોથી ત્રસ્ત છે. આ પશુઓ ખેતરમાં ઘૂસી જાય છે અને પાકને વ્યાપક નુકસાન પહોંચાડે છે.
જેના કારણે ખેડૂતો પોતાના ખેતરની આ પશુઓથી રખેવાળી માટે બંદૂકધારી માણસો રાખતા હોય છે. પાટડીના ઝીઝુંવાડામાં ૬૫ વર્ષના ઝેણુભા ઝાલા પણ આવું જ કામ કરે છે. તેમની સાથે તેમનો કૌટુંબિક ભત્રીજાે ૨૨ વર્ષનો યોગરાજસિંહ ઉર્ફે ઈન્દુભા ઝાલા પણ ખેતરનું રખોપું કરવા આવતો હતો. ખેતરમાં ઘૂસી આવેલા ભૂંડને ભગાડવા માટે તેની પાછળ દોડ્યા હતા. દરમિયાનમાં ઝેણુભાએ પોતાની પાસેની લાઈસન્સવાળી બંદૂકમાથી ભૂંડ પર ફાયરિંગ કર્યું હતું.
રાતના અંધારામાં તેમણે અંદાજે જ ફાયરિંગ કર્યું હતું. જાેકે, ઝેણુભાની ગોળી નિશાન ચૂકી ગઈ હતી અને ભૂંડને બદલે તેમના યોગરાજસિંહની પીઠમાં વાગી હતી. ગોળી વાગતા જ યોગરાજસિંહ ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી,
પરંતુ ગોળી વાગવાથી લોહી એટલું બધુ વહી ગયું હતું કે, યોગરાજસિંહનું સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું હતું. આ મામલે પોલીસે ઝીંઝુવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝેણુભા ઝાલાની અટકાયત કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.